જામદુધઈ ગામે દંપતીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ, પત્નીનું મોત
જામનગરના રાંદલ નગર વિસ્તારમાં રહેતું એક દંપતિ જોડિયા તાલુકાના જામદુધઇ ગામે સાસરે આંટો દેવા માટે ગયું હતું, જ્યાં જામનગર પરત આવવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં બંનેએ સજોડે ઝેરી દવા પી લીધી હોવાથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, જયાં સારવાર દરમિયાન પત્નીનું મૃત્યુ નીપજ્યું છે, જયારે પતિ સારવાર હેઠળ છે.
સમગ્ર મામદેવ જોડિયા પોલીસ તપાસ ચલાવે છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રાંદલ નગર વિસ્તારમાં રહેતી પાયલબેન રમેશભાઈ કુકડીયા નામની 34 વર્ષની પરણીતા, કે જે ગત 6.9.2024 ના દિવસે પોતાના પતિ રમેશભાઈ તથા પોતાની બે પુત્રીઓ સાથે જામનગર થી જોડિયા તાલુકાના જામદુધઈ ગામે રહેતી પોતાની માતા ઉષાબેન ચમનભાઈ ચૌહાણ ના ઘેર આંટો દેવા માટે ગઈ હતી.
જ્યાં જામનગર પરત આવવા બાબતે પતિ પત્ની બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં આજથી પાંચ દિવસ પહેલાં પાયલબેને આવેશમાં આવી જઈ ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તેના પતિ રમેશભાઈ એ પણ ઝેર પી લીધું હતું,
તેથી બંને પતિ પત્નીને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સૌપ્રથમ સારવાર માટે જોડિયાની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં પાંચ દિવસની સારવાર બાદ પાયલબેન નું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે પતિ રમેશભાઈ આઈસીયૂમાં હાલ સારવાર હેઠળ છે.
આ બનાવ અંગે પાયલબેન ની માતા આશાબેન ચૌહાણ એ પોલીસને જાણ કરતાં જોડીયા ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ. ડી. શીયાર ઘટના સ્થળે તેમજ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને પાયલબેન ના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આ સમગ્ર પ્રકરણમાં ઉષાબેન તેમજ અન્ય પરિવારજનોના નિવેદનો નોંધ્યા છે.