ઇસ્ટ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામોનો ખડકલો: 3033ને નોટિસ
ટીઆરપી દુર્ઘટના બાદ ગેરકાયદેસર બાંધકામો અટકવાના બદલે વધારો થયો હોવાનું બહાર આવ્યું
સેન્ટ્રલ ઝોનના જૂના વિસ્તારોમાં વધારાના બાંધકામો સામે ટીપી વિભાગનું ભેદી મૌન
ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ગેરકાયદેસર બાંધકામો વિરૂધ્ધ મનપાના ટીપી વિભાગે ઝૂંબેશ શરૂ કરી હતી. ત્યારબાદ વધારાના બાંધકામો કાયદેસર કરવા સરકારે ઇમ્પેકટ ફી કાયદો લાગુ કર્યો છતાં નિયમ વિરૂધ્ધ થયેલા અને કાયદામાં ન આવતા બાંધકામોનું ડિમોલીશન તંત્રએ હાથ ધરી નોટિસ આપવાનુ શરૂ કર્યુ હતુ. જેમાં ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ત્રણેય ઝોનમાં 3033 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં સૌથી વધુ વેસ્ટઝોન વિસ્તારમાં છ વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામ હોવાનુ ખુલ્વા પામેલ છે.
મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગે પ્રશ્ર્નોતરી દરમિયાન આપેલા જવાબ મારફતે માલુમ પડેલ કે, ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ઇમ્પેકટ ફી સંદર્ભે કુલ 577 અરજીઓ આવેલ જેના આધારે ત્રણેય ઝોનમાં સ્થળ તપાસ કરતા અનેક ગેરકાયદેસર બાંધકામો બહાર આવ્યા હતા. જેના લીધે કલમ 260-1 હેઠળ 1565 આસામીઓને અને 260-2 હેઠળ 1468 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ સમયસર ગેરકાયદેસર બાંધકામોની વિગતો ન આપનાર 38 બાંધકામોનુ ડિમોલીશન કરવામાં આવ્યુ હતું. ઇમ્પેકટ ફીના નિયમો હેઠળ આવેલ અરજીઓ પૈકી અનેક બાંધકામો નિયમોનુ પાલન કરી શકે તેમ નથી. જેના લીધે ઇમ્પેકટ ફી હેઠળ ન આવતી તમામ મિલકતોના વધારાના બાંધકામ તોડી પાડવામાં આવશે. આ યોજના હેઠળ કુલ 14810 અરજીઓ આવેલ જે પૈકી 4927 અરજીઓ માન્ય રાખવામાં આવી છે.
શહેરમાં વેસ્ટઝોનમાં વિકસીત નવા વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામોમાં સતત વધારો જોવા મળ્યો છે. જયારે સેન્ટ્રલઝોનના જૂના રાજકોટના વિસ્તારોમાં બેફામ વધારાના બાંધકામો ધમધમી રહ્યા છે. છતાં સાકડી-શેરી ગલ્લીઓમાં થતાં ગેરકાયદેસર બાંધકામો વિરૂધ્ધ ટીપી વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે ઇમ્પેકટ ફીમા ન આવતા તમામ બાંધકામો ગેરકાયદેસર હોવા છતાં આ પ્રકારના એક પણ બાંધકામો વિરૂધ્ધ આજ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી અને ફકત 38 બાંધકામોનુ ડિમોલીશન કરવામાં આવ્યુ છે. ઇમ્પેકટ ફીની મુદતમાં સરકારે સતત વધારો કરેલ હોય આગામી દિવસોમાં વધુ અરજી આવવાની શકયતા જોવાઇ રહી છે. જેની સામે ટીપી વિગભા દ્વારા હજૂ પણ ડિમોલીશન સહિતની કામગીરી શરૂ કરવામાં આવી નથી જેના લીધે આગામી દિવસોમાં તંત્ર દ્વારા મેગા ડિમોલીશન હાથ ધરાઇ તેવી શકયતા જોવાઇ રહી છે.
વોર્ડ વાઇઝ ગેરકાયદેસર બાંધકામોની યાદી
વોર્ડ નં.1 2
વોર્ડ નં.2 24
વોર્ડ નં.3 62
વોર્ડ નં.4 63
વોર્ડ નં.5 36
વોર્ડ નં.6 273
વોર્ડ નં.7 46
વોર્ડ નં.8 28
વોર્ડ નં.9 9
વોર્ડ નં.10 20
વોર્ડ નં.11 140
વોર્ડ નં.12 44
વોર્ડ નં.13 33
વોર્ડ નં.14 39
વોર્ડ નં.15 126
વોર્ડ નં.16 2033
વોર્ડ નં.17 42
વોર્ડ નં.18 26