જૂનાગઢમાં પુત્રીના ભણતર બાબતે ઝઘડો થતા પતિએ લાતો મારી પત્નીને પતાવી દીધી
છૂટાછેડા થયા બાદ પુત્રીની યાદ આવતી હોવાનું કહી પતિ પત્નીને તેણીના માવતરથી લલચાવી લાવ્યો હતો
ભવનાથમાં રૂૂપાયતન રોડ પર રહેતા એક યુવકે પોતાની પત્ની સાથે પુત્રીના ભણતર માટે ઝઘડો કરી રાત્રીના સમયે માર માર્યો હતો. પત્નીને પાટા વડે માર મારવાથી ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતા તેમનું મોત થયું હતું. પતિ-પત્નીના છુટાછેડા થઈ ગયા હતા છતાં પણ બાળકીની યાદ આવે છે તેવું કહી પત્નીને પરત લઈ આવી હત્યા કરી છે. આ અંગે મૃતક પત્નીના ભાઈએ ભવનાથ પોલીસમાં તેમના બનેવી સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભવનાથ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ નંદાણા ગામના રાજેશ દેસુરભાઈ ચાવડાના લગ્ન દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ધુમથર ગામના માલીબેન દેવાયત રાવલીયા સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન તેમને એક પુત્રીનો જન્મ થયો હતો. હાલ પુત્રી કૃપાલી 1ર વર્ષની થઈ છે. પતિ-પત્નીનો 12 વર્ષ સારો સંસાર ચાલ્યો હતો ત્યારબાદ રાજેશ કોઈ કામધંધો કરતો ન હતો જેથી તેમની પત્ની માલીબેનને તેમના ભાઈ માવતર લઈ ગયા હતા. દોઢેક વર્ષ પહેલા રાજેશ અને માલીબેનના છુટાછેડા થઈ ગયા હતા. માલીબેન અને તેમની પુત્રી કૃપાલી તેમના માવતર સાથે રહેતી હતી. રાજેશની બહેનના માલીબેનના ભાઈ સાથે સામસામે લગ્ન થયા હતા. વિસેક દિવસ પહેલા રાજેશ તેમની પત્નીને તેડવા ગયો અને કહ્યું કે, મને મારી પુત્રી કૃપાલીની ખુબ યાદ આવે છે, હવે હું માલીબેન અને કૃપાલીને ક્યારેય હેરાન નહી કરૂૂ અને ધંધો કરવા માટે હવે હું જૂનાગઢના ભવનાથમાં રહીશ. સામસામું કર્યું હોવાથી માલીબેનના ભાઈઓએ માલીબેન અને કૃપાલીને રાજેશ સાથે મોકલ્યા હતા.
ગત રાત્રીના માલીબેન સાથે રાજેશ ઝઘડો કરતો હતો જેથી તેમની પુત્રી કૃપાલી વચ્ચે પડી ત્યારે રાજેશે માલીબેનને લાતો વડે મારતો હતો. આ ઝઘડો જોઈ પુત્રીએ મકાન માલિકને બોલાવ્યા હતા. મકાન માલિક માલીબેનને નીચે તેમના ઘરે લઈ ગયા હતા અને રાજેશ ઉપર તેમના ભાડાના મકાનમાં રહ્યો હતો. ત્યારબાદ માલીબેનને દુ:ખાવો ઉપડતા 108 માં સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન માલીબેનનું મોત થયું હતું.
આ બનાવ અંગે મૃતક માલીબેનના ભાઈ વજાભાઈ રાવલીયાએ ભવનાથ પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ માલીબેનને તેમનો પતિ રાજેશ શારિરી તથા માનસિક ત્રાસ આપતા હોવાથી છુટાછેડા કરી નાખ્યા હતા. ભાણેજ કૃપાલીને મળવાનું બહાનું કરી ફરીથી લલચાવી પોતાની સાથે લઈ ગયા હતા. ત્યારબાદ સામાન્ય એવી બાબતે તેમની બહેનને પગ વડે લાતો મારી મોત નીપજાવ્યું છે. સમગ્ર બનાવ અંગે પોલીસે રાજેશ દેસુર ચાવડા સામે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે.