જેતપુરના સ્ટેશન વાવડીમાં પત્નીએ કપડાં લેવાની ના પાડતાં પતિનો ઝેર પી આપઘાત
સાતમ-આઠમના તહેવાર પર ખરીદી કરવાનું કહેતા દંપતી વચ્ચે ઝઘડો થતા પગલું ભર્યુ
જેતપુરના સ્ટેશન વાવડી ગામે ચુનીભાઈ ભૂવાની વાડીમાં રહેતા યુવકને ગુજરીમાં કપડાં લેવા જવું હતું, જે મુદ્દે પત્નીએ નસાતમ-આઠમમાં નવા કપડાં ખરીદજો, અત્યારે નથી લેવાથ એવું કહેતા પત્ની સાથે બોલવાનું થયું હતું. બાદમાં યુવકે ઝેર પી લેતા અઠવાડિયા સુધી સારવાર લીધા બાદ રાજકોટમાંદમ તોડી દીધો છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જેતપુરના સ્ટેશન વાવડી ગામે ચુનીભાઈ ભૂવાની વાડીમાં રહેતા અને કામ કરતા સંતોષભાઈ કરમશીભાઈ શિંગાળા(ઉ.વ.24) એ આશરે એકાદ અઠવાડિયા પૂર્વે ઝેર પીધું હતું, જેને જેતપુર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં અઠવાડિયાની સારવાર લીધા બાદ તા.7/7ના સવારે આઠ વાગ્યે યુવકનું મોત નીપજ્યું છે.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જેતપુર પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના પિતરાઈએ જણાવ્યું હતું કે, સંતોષ તેની પત્ની સાથે જેતપુરના સ્ટેશન વાવડી ગામે રહેતો હતો અને ભાગમાં જમીન રાખી દંપતી ખેતીકામ કરતા હતા.
યુવકને વડિયામાં મંગળવારી ભરાઈ છે, ત્યાં કપડાં લેવા જવું હતું પણ પત્નીએ સાતમ-આઠમ નજીક આવે છે તો ત્યારે ખરીદી કરવાનું કહેતા, તે મુદ્દે બંને વચ્ચે બોલવાનું થયું હતું. બાદમાં યુવકે પગલું ભરી લીધું હતું. મૃતકના લગ્ન 4 વર્ષ પૂર્વે થયા હતા. તેને સંતાનમાં બે પુત્ર છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.