વેરાવળના ડારી ગામે પત્નીની હત્યા બાદ પતિનો આપઘાત
વેરાવળ તાલુકાના ડારી ગામે પારિવારિક વિવાદનો એક અત્યંત કરુણ અને હચમચાવી દેનારો બનાવ સામે આવ્યો છે. છેલ્લા પાંચ મહિનાથી પિયર રિસામણે રહેલી 42 વર્ષીય પત્નીની તેના પતિએ છરીના સાત ઘા ઝીંકી ને નિર્મમ હત્યા કર્યા બાદ પતિ એ પણ ઝેરી દવા પી આપઘાત કરી લીધાનો બનાવ બનતા ભારેે ખળભળાટ મચી જવા પામેલ છે. પત્નીની હત્યા બાદ હત્યારો પતિ તેની મોટર સાયકલ અને હથિયાર ફેંકી ને નાસી છૂટ્યો હતો. ત્યારબાદ મોડીરાત્રે તેણે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળે છે.
આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ ડારી ગામે મૃતક ચંપાબેન વિનોદ ધોળીયા ઉંમર આશરે 42 વર્ષ છેલ્લા પાંચ મહિનાથી તેમના પિયર રિસામણે રહેતા હતા. ગઈકાલે સવારે અચાનક પતિ વિનોદ ધોળીયા ચંપાબેન ના પિયર ખાતે પહોંચ્યા હતા. અહીં તેણે પોતાની પત્ની ચંપાબેન પર ધારદાર છરી વડે આશરે સાત જેટલા ઘા ઝીકી હુમલો કર્યો હતો. પતિ-પત્ની વિનોદ ધોળીયા અને ચંપાબેન ધોળીયા વચ્ચે ઘણા સમયથી પારિવારિક કલેહ ચાલી રહ્યો હતો. વિનોદ ના ત્રાસથી કંટાળીને ચંપાબેન એ તેની સામે ભરણપોષણ નો કેસ પણ નોંધાવ્યો હતો.
આ બનાવમાં પતિએ આડેધડ ઝીંકેલા છરીના ઘા ના કારણે પરિણીતા ચંપાબેન ને ગંભીર ઈજા પહોંચી હતી. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ચંપાબેન ને તાત્કાલિક વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ હત્યાના બનાવની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ડીવાયએસપી વી. આર. ખેંગાર, પ્રભાસ પાટણ પીઆઈ. પટેલ, અને સર્વેલન્સ સ્કવોડની ટીમ તથા સરપંચ ફારૂૂકભાઇ આકાણી સહિતના આગેવાનો તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી.પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો. હત્યારો પતિ વિનોદ ધોળીયા બનાવ સ્થળે પોતાની મોટર સાયકલ અને હત્યામાં વપરાયેલ છરી છોડીને નાસી છૂટ્યો હતો. પોલીસે આરોપી વિનોદ ધોળીયા ને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ અને નાકાબંધી કરી હતી. આ દરમિયાન વિનોદ ધોળીયાની લાશ મળી આવતાં હોસ્પિટલે ખસેડવામાં આવી છે. વિનોદે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધાનું પોલીસમાંથી જાણવા મળી રહ્યું છે.