રાજકોટમાં માવતરે આવેલી પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિનો છરી-પાઇપ વડે હુમલો
રાજકોટમાં આવેલા રેલનગર વિસ્તારમાં માવતરના ઘરે આંટો મારવા આવેલી પત્નીનો અમરેલીના કણકોટ ગામે રહેતા પતિએ પીછો કરી પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી છરી અને પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો. તારા ઘોબા ઉપાડી નાખીશ જેવી ધમકી આપી પતિ નાસી છૂટ્યો હતો. પત્ની સાથે આડા સબંધ ધરાવતા કણકોટના યુવકના પણ બે માસ પૂર્વે પગ ભાંગી નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલીના કણકોટ ગામે રહેતી નિરાલીબેન ધર્મેશભાઈ સરવૈયા નામની 24 વર્ષની પરિણીતા રાજકોટમાં રેલનગર વિસ્તારમાં આવેલ ભગીની ટાઉનશીપમાં રહેતી માતા રેખાબેન ડાયાભાઈ સીતાપરાના ઘરે હતી ત્યારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં તેણીના પતિ ધર્મેશ સરવૈયાએ ઝઘડો કરી છરી અને પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરિણીતાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં નિરાલીબેન સરવૈયાના ચાર વર્ષ પહેલા લગ્ન થયા છે અને તેણીને સંતાનમાં એક પુત્રી છે. નિરાલીબેન સરવૈયા 20 દિવસ પહેલા જ માતાના ઘરે આટો મારવા આવી છે. નિરાલીબેન સરવૈયાને તેના જ ગામના ચિરાગ નિમાવત નામના યુવાન સાથે આડા સંબંધ હોવાની શંકાએ ગઈકાલે ધર્મેશ સરવૈયા રાજકોટ પહોંચ્યો હતો અને નિરાલીબેન દૂધ લેવા જતી હતી ત્યારે સંતાઈને બેઠેલા પતિ ધર્મેશ સરવૈયાએ તારા ઘોબા ઉપાડી નાખીશ તેવી ધમકી આપી છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો અને બે માસ પૂર્વે જ નિરાલીબેન સરવૈયા સાથે આડા સંબંધ હોવાની શંકાએ કણકોટ ગામના યુવકના પણ બંને પગ ભાંગી નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.