ગીરગઢડાના ઢોકળવામાં ભરણપોષણ કેસમાં સમાધાન કરવાનું કહી આશાવર્કર ઉપર પતિનો હુમલો
ગીરગઢડાના ઢોકળવા ગામે રહેતી આશાવર્કરે કરેલો ભરણપોષણનો કેસ પરત ખેંચી સમાધાન કરવા પતિએ દબાણ કરી ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલી મહિલાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. ઘટના અંગે જાણ કરવા છતાં પોલીસ મદદે આવી ન હોવાનો મહિલાએ સનસનીખેજ આક્ષેપ કર્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગીરગઢડાના ઢોકળવા ગામે રહેતી અને આશાવર્કર તરીકે નોકરી કરતી સોનલબેન લાલજીભાઈ ગુર્જર નામની 45 વર્ષની મહિલા બપોરના સમયે નોકરી ઉપર હતી ત્યારે તેના પતિ લાલજીભાઈ બાબુભાઈ ગુર્જરે ઝઘડો કરી ધારીયા વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી સોનલબેન ગુર્જરને સારવાર માટે ઢોકળવા, ઉના, વેરાવળ અને જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.પ્રાથમિક પુછપરછમાં સોનલબેનને સંતાનમાં એક પુત્રી છે અને આશાવર્કર તરીકે નોકરી કરે છે. સોનલબેન છેલ્લા એક વર્ષથી પતિના ત્રાસથી કંટાળી અલગ રહે છે. સોનલબેને કોર્ટમાં કરેલો ભરણપોષણનો કેસ પરત ખેંચી લેવા અને સમાધાન કરી લેવા મુદ્દે પતિ લાલજી ગુર્જરે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને હુમલાની ઘટના અંગે જાણ કરવા છતાં પોલીસ પણ મદદે આવી ન હોવાનો મહિલાએ આરોપ લગાવતાં ચકચાર મચી જવા પામી છે.