મોરબીમાં પત્નીની હત્યા કરનાર પતિ અને પ્રેમિકાની ધરપકડ, અકસ્માતની સ્ટોરી ઘડી’તી
આડાસબંધોના લીધે અનેક વખત ઘણા પરિવારના માળા વેરવિખેર થયા છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેવામાં આવો જ એક બનાવ મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસે આવેલા સિરામિક કારખાનામાં બન્યો છે. મોરબી નજીક જાંબુડિયા ગામ પાસે આવેલા ઓલવિન સિરામિકમાં થયેલી હત્યાના આ બનાવ સંદર્ભે મૃતક પાયલના પિતા અર્જુનસિંહ મોડાજી નાયકની ફરિયાદ લઈને પોલીસે મૃતકના પતિ રાહુલ રોડુલાલ નાયક અને તેની પ્રેમિકા રેવાલી (રહે. બંને હાલ ઓલવીન સિરામિક લેબર કવાર્ટર જાંબુડીયા)ની સામે ગુનો નોંધીને બંને આરોપીની તાલુકા પોલીસે ધરપકડ કરીછે. જો કે, આરોપીઓએ હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવા માટે થઈને પ્લાન બનાવ્યો હતો. જેમાં મૃતક મહિલાને ઉલ્ટી થતી હતી ત્યારે, તે ક્વાર્ટરના ઉપરના માળેથી નીચે પડી જતાં તેનું મોત થયું છે તેવું દર્શાવવામાં આવ્યું હતું. જેના માટે તેઓએ હત્યા કરીને લાશને દોરડું બાંધીને ઉપરથી બારીમાંથી નીચે ઉતારી હતી. ત્યાર બાદ વહેલી સવારે તે કુદરતી હાજતે ગયા ત્યારે, ખબર પડી કે તેની પત્નીનું મોત નીપજ્યું છે તેવી સ્ટોરી ઘડી કાઢી હતી.
જો કે, મૃતકના મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું ત્યારે, તેના શરીર ઉપર મારના નિશાન જોવા મળ્યા હતા અને તેને ગળેટૂંપો આપીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી કરીને પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં આરોપીઓએ પાયલની હત્યા કરી હોવાની કબૂલાત આપી છે.
જેથી બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલેખનીય છે કે, આરોપી રાહુલ રોડુલાલ નાયક તેની પત્ની પાયલ ઉર્ફે રાની અને તેની પ્રેમિકા રેવાલીબેન સાથે એક જ કવાર્ટરમાં રહેતો હતો અને રાહુલને રેવાલી સાથે આડાસંબંધ હતા. જેથી તે પોતાની પત્ની પાયલ (ઉં.વ.20)ને તેની સાથે રાખવા માંગતો ન હતો. વધુમાં આ બાબતે ડીવાયએસપી પી.એ.ઝાલાની પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આરોપી રાહુલ નાયકે તેની પ્રેમિકા સાથે મળીને પાયલનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. બાદમાં પોલીસ અને પરિવારને રાહુલે પહેલાં ખોટી માહિતી આપી હતી અને ગુમરાહ કર્યા હતા. જો કે, પીએમ રિપોર્ટે હત્યાનો ભાંડો ફૂટી ગયો હતો. બંને આરોપીની પૂછપરછ કરતાં તેમણે હત્યાની કબૂલાત આપી છે. તાલુકા પોલીસમાંથી મળતી વિગત મુજબ, પકડાયેલા બે આરોપી પૈકી મહિલા આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલહવાલે કરવામાં આવી છે અને આવતીકાલે રાહુલ નાયકને મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.