થાનગઢમાં હોટેલના કર્મચારીઓને માર મારી તોડફોડ, પાંચ હજારની લૂંટ
થાનગઢમાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી વાંકાનેર રોડ પર આવેલ હોટેલમાં બે શખ્સોએ તોડફોડ કરી રૂૂપિયા 5 હજારની લૂંટ ચલાવ્યાની ફરિયાદ થાન પોલીસ મથકે નોંધાઈ છે. બનાવની વધુ તપાસ થાન પોલીસ ચલાવી રહી છે. થાનના તરણેતર બાયપાસ રોડ પર આવેલ મકવાણા સીરામીક પાસે રહેતા 43 વર્ષીય છનાભાઈ માવજીભાઈ વાણીયા થાન-વાંકાનેર રોડ પર સારસાણા ગામ પાસે ન્યુ નસીબ નામની હોટલ ચલાવે છે. તેઓને અગાઉ પરવેઝ સલીમભાઈ મેમણ સાથે ઝઘડો થયો હતો.
જેનું બાદમાં સમાધાન પણ થઈ ગયુ હતુ. તેમ છતાં પરવેઝ તેની દાઝ રાખતો હતો. તા. 22મી જુલાઈના રોજ રાત્રે હોટલ બંધ કરી છનાભાઈ હોટલના રૂૂમમાં સુતા હતા. જયારે પ્રવીણ રંગપરા, રમેશ પાસવાન, લાલજીભાઈ, દિનેશભાઈ સહિતના મજુરો હોટલની બહાર સુતા હતા. રાતના આશરે 4 કલાકના સુમારે પરવેઝ સલીમભાઈ મેમણ અને અન્ય એક શખ્સ કાર લઈને આવ્યા હતા. જેમાં અજાણ્યો શખ્સ કારમાં બેઠો હતો અને પરવેઝે લાકડી લઈને ઉતરી પ્રવીણ અને રમેશને માર મારી હોટલમાં તોડફોડ કરી રૂૂપિયા 5 હજારની લૂંટ ચલાવી હતી. અને છનાભાઈને જાતિ અપમાનીત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવમાં પ્રવીણ અને રમેશને ઈજાઓ થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. આ અંગે થાન પોલીસ મથકે બન્ને આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ ડીવાયએસપી પી.સી.પરમાર ચલાવી રહ્યા છે.