હોટલમાં ભાડા મુદ્દે યુવક ઉપર કર્મચારીનો હુમલો: લૂંટનો આક્ષેપ
શહેરમાં રણછોડનગરમાં રહેતો અને ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતો યુવા મોરબી રોડ ઉપર આવેલી ધ ઈન્ફિનિટી હોટલમાં હતો ત્યારે ભાડા મુદે ઝઘડો થતા હોટલના કમર્ચારીએ મારમારી સોનાનો ચેઇન અને ઘડીયાળની લૂંટ ચલાવ્યાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં રણછોડનગરમાં રહેતો ડેનીસ ચંદુભાઇ ભૂત નામનો 29 વર્ષનો યુવાન મધરાત્રે મોરબી રોડ ઉપર આવેલી ધ ઈન્ફિનિટી હોટલમાં હતો ત્યારે કલ્પેશ સહિતના હોટલ કર્મચારીઓએ ઝઘડો કરી ઢીકા-પાટુનો મારમાર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં ડેનીસ ભૂત ઇવેન્ટનું કામ કરે છે. રાજસ્થાનની ઇવેન્ટનું કામ કરીને આવ્યા બાદ ધ ઈન્ફિનિટી હોટલમાં એસી રૂમ ભાડે રાખ્યો હતો. પરંતુ એસી બંધ થઇ જતા ભાડા મુદે હોટલના કર્મચારીઓએ ઝઘડો કરી મારમાર્યો હતો અને ડેનીસ ભૂતના ગળામાં રહેલો સાડા ત્રણ તોલાનો સોનાનો ચેઇન અને ઘડીયાળની લૂંટ ચલાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે કલ્પેશભાઈ પટેલ, પેપ્સી સહિતના બે અજાણ્યા શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.