જૂનાગઢમાં હોટલના આસિસ્ટન્ટ મેનેજરે કરી રૂા. 2.89 લાખની ઠગાઇ
જૂનાગઢ શહેરના કાળવા ચોક નજીક આવેલી જાણીતી મધુવંતી હોટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હોટલના આસિસ્ટન્ટ મેનેજરે માલિક સાથે વિશ્વાસઘાત કરીને બે લાખથી વધુ રૂૂપિયાની ઉચાપત કરી હોવાની અને ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના મોહબત રોડ પર ચાંદ ટાવરમાં રહેતા ઈર્શાદભાઈ બશીરખાન બાબી કાળવા ચોકની મધુવંતી હોટલમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની નીચે સુરતનો રહેવાસી કાર્તિક મનસુખભાઈ ગોંધા આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો. હોટલના માલિકનો વિશ્વાસ જીતીને કાર્તિક ગોંધાએ 18-3-2025 થી 1-5-2025 દરમિયાન ગ્રાહકો પાસેથી રોકડમાં આવેલા નાણાં બેંકમાં જમા કરાવ્યા નહોતા. એટલું જ નહીં, તેણે રજિસ્ટરમાં ખોટી એન્ટ્રીઓ પાડી અને ખોટા હિસાબો તૈયાર કરીને કુલ રૂ. 2,89,136ની ઉચાપત કરી હતી. આ ઉપરાંત, તેણે હોટલમાંથી રૂ. 33,000ની ચોરી પણ કરી હતી.
આ સમગ્ર છેતરપિંડી અને વિશ્વાસઘાતનો મામલો સામે આવતા, હોટલ મેનેજર ઈર્શાદભાઈ બાબીએ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બી-ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.કે. મહેતાએ આ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.