રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાં ભયાનક ઘટના; નકલી પોલીસ યુગલને કારમાં અવાવરૂ સ્થળે ઉપાડી ગઇ, યુવતી સાથે બળજબરી

03:34 PM Jan 01, 2025 IST | Bhumika
Advertisement

હોટલ સિઝનમાં થર્ટી ફર્સ્ટની પાર્ટીમાંથી રોડ ઉપર પહોંચતા જ ચાર નરાધમો પોલીસ હોવાનું જણાવી કારમાં જ ઉપાડી ગયા

Advertisement

યુવકને બેફામ ફટકાર્યો, યુવતી સાથે દુષ્કર્મનો પ્રયાસ, પરિવારજનો પહોંચે તે પહેલાં રોકડ રકમ લૂંટી ચારેય નરાધમો નાસી છૂટ્યા

વહેલી સવારે પરિવાર પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે શરૂ કર્યુ સર્ચ ઓપરેશન, ચારેય નરાધમોને દબોચી લીધાની ચર્ચા

વડોદરામાં ગત નવરાત્રી દરમિયાન પ્રેમી સાથે ઉભેલી યુવતિને ઉઠાવી જઈ પાંચ શખ્સોએ આચરેલા સામુહીક દુષ્કર્મની ઘટનાને યાદ અપાવતી ભયાનક ઘટના થર્ટીફર્સ્ટની રાત્રી દરમિયાન રાજકોટમાં બનતા ભારે હાહાકાર મચી જવા પામેલ છે. રાજકોટવાસીઓ ગઈકાલે થર્ટીફર્સ્ટની ઉજવણીમાં ગાંડાતુર બન્યા હતાં ત્યારે પાર્ટી કલ્ચર માટે અત્યંત લાલબત્તી સમાન ઘટના પ્રકાશમાં આવી છે.

જેમાં શહેરની ભાગોળે આવેલી હોટલ સિઝન પાસેથી નકલી પોલીસે એક યુવક-યુવતિની કારમાં નિર્જન સ્થળે ઉઠાવી જઈ યુવાનને બેફામ માર મારી યુવતિ ઉપર દુષ્કર્મનો પ્રયાસ કર્યાની અત્યંત ચોંકાવનારી ઘટના બની છે જો કે, યુવતિના પરિવારજનોની સમયસુચકતાના કારણે રાજકોટ ઉપર કાળી ટીલી લાગતા અટકી ગઈ છે. બીજી તરફ આ ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે અને સુર્યોદય પહેલા જ આ ધુણાસ્પદ ઘટનાને અંજામ આપનાર ચાર નરાધમોને દબોચી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ આ ઘટના અંગે મૌન સેવી રહી છે પરંતુ એકાદ દિવસમાં જ મોટા ધડાકા થવાના નિર્દેષો મળી રહ્યા છે.

રાજકોટ માટે કલંક સમાન આ ઘટનાની મળતી વિગતો મુજબ ગઈકાલે થર્ટીફર્સ્ટની ઉજવણી માટે નાનામૌવા રોડ ઉપર રહેતા એક સુખીસંપન્ન પરિવારની પુત્રી અને તેનો મંગેતર શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર આવેલી હોટલ સિઝનમાં ગયા હતાં જ્યાંથી રાત્રે પાર્ટી પત્યા બાદ 12:30 વાગ્યા આસપાસ પરત ઘરે જવા નિકળ્યા ત્યારે હોટલના ગેઈટની બહાર જ એક વરના કાર રોડ વચ્ચે રાખીને ઉભેલા ચાર શખ્સોએ યુવક-યુવતિની વરના કાર અટકાવી હતી અને પોતે પોલીસ હોવાનું જણાવી યુવક તથા યુવતિ પાસેથી ડ્રાઈવીંગ લાયસન્સ અને આધારકાર્ડ સહિતના પુરાવા માગ્યા હતાં. યુવકે લાયસન્સ બતાવ્યું હતું પરંતુ આધારકાર્ડ સાથે નહીં હોવાનું જણાવતા ચારેય શખ્સોએ ધોલધપાટ કરી યુવક અને યુવતિને તેની જ કારની પાછળની સીટમાં બેસાડી દીધા હતાં જ્યારે એક શખ્સે કાર કાલાવડ રોડ તરફ લઈ કાલાવડ રોડ અને હોટલ સિઝન વચ્ચેના ડાબી બાજુ આવેલા નવા બિલ્ડીંગોના અવાવરૂ સ્થળે ઉપાડી ગયા હતાં જ્યારે અન્ય બે શખ્સો નંબર પ્લેટ વગરની બીજી વરના કાર સાથે તેની પાછળ આવ્યા હતાં.

આ દરમિયાન યુવાને પ્રતિકાર કરતા કારની અંદર જ તેને બેફામ માર માર્યો હતો અને યુવતિની નજર સામે જ સતત એકાદ કલાક સુધી યુવકને પોલીસના નામે ટોર્ચર કર્યુ હતું અને યુવતિ સાથે બળજબરી કરી દુષ્કર્મ આચરવા પ્રયાસ કર્યા હતાં. સાથો સાથ યુવતિ પાસે મોબાઈલ ઉપર આધારકાર્ડ મંગાવ્યું હતું, આ દરમિયાન યુવતિએ રાત્રે 1:45 વાગ્યે તેના ભાઈને ફોન કરી આધારકાર્ડ મંગાવતા યુવતિના પિતાને શંકા ગઈ હતી. તેમણે સામો કોલ કરતા યુવતિનો મોબાઈલ રિસિવ થયો ન હતો અને ત્યાર બાદ અચાનક સ્વિચ ઓફ થઈ જતાં યુવતિના પિતા એલર્ટ થઈ ગયા હતા અને તેણે તુરંત જ પુત્રીના મોબાઈલનું લોકેશન ટ્રેસ કરી પરિવાર સાથે ત્યાં પહોંચવા રવાના થયા હતાં અને યુવકના પરિવારજનોને પણ જાણ કરતા બન્ને પરિવારો લોકેશન તરફ રવાના થયા હતાં. જો કે, રસ્તામાં યુવકના પરિવારજનોએ યુવકને કોલ કરતા અમે એ.જી. ચોકમાં પહોંચ્યા છીએ તુ કઈ જગ્યાએ છો? ચારેય નરાધમો પકડાઈ જવાની બીકે યુવકના ખિસ્સામાંથી રૂા. 1700ની રોકડ રકમ કાઢીને નાશી છૂટ્યા હતા.

યુવક અને યુવતિના પરિવારજનો સ્થળ પર પહોંચે તે પહેલા આરોપીઓ નાશી ગયા હોય ડઘાઈ ગયેલા યુવક-યુવતિને લઈ પ્રથમ ઘરે પહોંચ્યા હતા અને ત્યાર બાદ વહેલી સવારે ચાર વાગ્યે પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને પોલીસ કાફલાએ વિલંબ કર્યા વગર વહેલી સવારે જ સર્ચ ઓપરેશન હાથ ધરી રાત્રે ત્રણ વાગ્યા સુધીના ઘટના સ્થળના મોબાઈલ લોકેશનના આધારે ચાર નરાધમોને દબોચી લીધા છે. આ ચારેય નરાધમો ગંજેરી હોવાનું પણ ખુલી રહ્યું છે. જો કે, આ ઘટના અંગે હજુ પોલીસ ફરિયાદ થવા પામી નથી પરંતુ સાંજ સુધીમાં મોટા ધડાકા થવાની શક્યતા દર્શાવાઈ રહી છે.

ચારેય નરાધમો અવધ રોડ ઉપર પડ્યા-પાથર્યા રહે છે, ગંજેરી હોવાનું પણ અનુમાન
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અવધના ઢોરે યુવક-યુવતિનું અપહરણ કરી યુવતિ સાથે બળજબરી કરનાર ચાર નરાધમોને પોલીસે ઉપાડી લીધા છે અને ચારેય અવધરોડ ઉપર આવેલી પાનની કેબીને પડ્યા-પાથર્યા રહેતા હોવાનું તેમજ ગાંજા-ચરસના બંધાણી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ ચારેય નરાધમોને કેબીનવાળા પાસે રજૂ કરતા તેણે પણ ચારેય શખ્સોને ઓળખી બતાવ્યા હતા. પોલીસ હાલ આરોપીઓની સઘન પુછપરછ કરી રહી છે અને સાંજ સુધીમાં આ ઘટનામાં ગુનો દાખલ થાય તેવું જાણવા મળે છે.

પોલીસ તંત્ર શહેરમાં પીધેલા શોધતું રહ્યું, છેવાડાના વિસ્તારો રામભરોસે
સમી સાંજથી શહેરના મોટા ભાગના રાજમાર્ગો ઉપર જાણે પોલીસ છાવણી હોય તેવા દૃશ્યો નજરે પડતા હતાં મહત્વના ચોકમાં બેરીકેટ ગોઠવી એવી રીતે તપાસ થતી હતી કે, જાણે આખુ રાજકોટ દારૂ પીને જ નિકળતું હોય, બીજી તરફ છેવાડાના વિસ્તારમાં પોલીસની પાંખી હાજરીના કારણે લુખ્ખા તત્વોને મોકળુ મેદાન મળી ગયું હોય તેવું આ ઘટનાથી સાબીત થાય છે. પોલીસના નામે કલાકો સુધી અમાનુષી ત્રાસ ગુજારાયો ત્યાં સુધી પેટ્રોલીંગમાં રહેલી કોઈ પીસીઆર વાન ત્યાં કેમ ન પહોંચી તે ફણ એક સવાલ છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkto newsraped
Advertisement
Next Article
Advertisement