અરડોઇ ગામમાં ગુંડાગીરી : ખંડણી માગી પેપર મિલના ભાગીદારો પર હુમલો
લુખ્ખાઓએ કહયુ ગામમાં અમારો ધંધો જ ચાલવો જોઇએ, પોલીસ અમારું કાંઇ નહીં બગાડી શકે
પેપર મિલમાં પાણીનો ટાંકો મોકલતા સરપંચ નરશીભાઇ ગજેરાના ઘરે પહોંચી બાઇકમાં તોડફોડ કરી : ઘટના સીસીટીવીમાં કેદ
રાજકોટ જીલ્લાનાં કોટડાસાંગાણી તાલુકામા આવેલા અરડોઇ ગામે છેલ્લા ઘણા મહીનાઓથી કારખાનેદારો અને પેપર મીલનાં માલીકોને ધમકાવી કુખ્યાત શખ્સ દ્વારા ખંડણી ઉઘરાવવામા આવતી હોવાનો એક ચોંકાવનારો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
આ સમગ્ર ઘટનામા અરડોઇ ગામે પેપર મીલ ધરાવતા અને રાજકોટમા વિશ્ર્વ નગર પટેલ બોર્ડીંગ પાસે રહેતા પટેલ યુવાન અને તેમનાં ભાગીદાર અરડોઇ ગામનાં નામચીન શખ્સે તેમનાં સાગ્રીતો સાથે જય સોમનાથ પેપર મીલમા ધસી જઇ બંને ભાગીદાર પર ધોકા અને ધારીયાથી હુમલો કરી હાથ ભાંગી નાખ્યાની ઘટના સામે આવી છે.
ત્યારે આ ઘટનામા ઘવાયેલા બંને યુવાનોને સારવાર માટે ખાનગી હોસ્પીટલમા ખસેડવામા આવ્યા છે. આ મામલે કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમા નામચીન શખ્સ અને તેમનાં સાગ્રીતો વિરૂધ્ધ રાયોટ, ધમકી અને મિલકત નુકસાની અંગેની કલમ હેઠળ ગુનો નોંધવામા આવ્યો હતો.
આ ઘટનામા ફરીયાદી મયુરભાઇ વિઠ્ઠલભાઇ મોવલીયા (પટેલ) (ઉ.વ. 44) એ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ રાજકોટનાં વિશ્ર્વનગર પટેલ બોર્ડીંગની બાજુમા રહેતા મુળ ગોંડલનાં ચરખડી ગામનાં વતની છે અને તેઓ અરડોઇ ગામે સીમમા ભાગીદાર બકુલભાઇ વીરડીયા અને ગીરીશભાઇ કથારીયા સાથે ભાગીદારીમા જય સોમનાથ પેપર મીલ ચલાવે છે.
ગઇ તા 10 નાં રોજ તેઓ ત્રણેય ભાગીદાર પેપર મીલે બેઠા હતા ત્યારે પોણા બે વાગ્યે અરડોઇ ગામમા રહેતો રામકુ બાવકુ માંજરીયા, યુવરાજ, મજબુત અને બે અજાણ્યા શખ્સો ત્યા પોતાની કાળા કલરની સ્વીફટ કારમા ઘસી આવ્યા હતા અને રામકુએ ગાડીમાથી ધારીયુ કાઢયુ હતુ અને યુવરાજે અને તેની સાથે આવેલા બે માણસોએ ધોકા કાઢયા હતા અને મજબુતે ધારીયુ કાઢયુ હતુ. તેમજ આરોપીઓ ભાગીદાર બકુલભાઇ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા અને તેઓએ બકુલ ભાઇનાં દિકરી રશ્મીનને ઓફીસમા માથાકુટ કરી અને ધારીયુ મારી દીધુ હતુ તેમજ તેઓએ આ મયુરભાઇને પણ ધારીયુ ઝીકી ધોકાથી માર મારવા લાગ્યા હતા.
તેમજ રામકુ તેની સાથેનાં માણસો કહેવા લાગ્યા કે આને ચારણી કરી દેવો છે. તને મારી નાખવો છે અને ભડાકે દઇ દેવો છે તેવી ધમકી આપી હતી. તેમજ તેઓ કહેતા હતા કે રીબડા ચોકડીએ અમે રાહ જોઇને ઉભા છીએ ત્યાજ મારી નાખવો છે તેમ કહેતા હતા. ત્યારબાદ મીલનાં માણસો ભેગા થઇ જતા રામકુનો દિકરો ત્યા આવી પહોંચ્યો હતો અને બધાને ત્યાથી લઇ ગયો હતો. ત્યારબાદ ઘવાયેલા મયુરભાઇ અને બકુલભાઇનાં પુત્ર રશ્મીનને સારવાર માટે ગોંડલની વાડોદરીયા હોસ્પીટલે ખસેડવામા આવ્યા હતા. આ બનાવ બાદ જાણવા મળ્યુ હતુ કે નામચીન શખ્સ રામકુએ મયુરભાઇ સાથે ઝઘડો કરી અને બાદમા મયુરભાઇની જય સોમનાથ પેપર મીલમા પાણીનો ટાકો પહોંચાડતા સરપંચ નરશીભાઇ ગજેરાનાં ઘરે પહોંચી અને બહાર પાર્ક કરેલી મોટર સાયકલમા તોડફોડ કરી નુકસાન કર્યુ હતુ.
આ બનાવમા મયુરભાઇએ આક્ષેપ કર્યા હતા કે રામકુ ગામમા પોતાનો જ ધંધો ચાલવો જોઇએ તેવુ કહી ત્યા અરડોઇમા કારખાનેદારો અને પેપર મીલનાં માલીકો પાસેથી અવાર નવાર ખંડણી માંગતો ફરે છે. તેમજ પોતે કહેતો હતો કે પોલીસ તેમનુ કાઇ બગાડી નહીં શકે. આ મામલે કોટડાસાંગાણી પોલીસમા ગુનો નોંધવામા આવ્યો છે.
પખવાડિયા પહેલાં રામકુ વિરુધ્ધ રસ્તે ચાલવા બાબતે ફરીયાદ નોંધાવી હતી
મયુરભાઇએ જણાવ્યુ હતુ કે કુખ્યાત શખ્સ રામકુ તેમની સાથે ભાડાનાં ગુંડાઓ લઇને ફરે છે અને પખવાડીયા પહેલા પણ ગામમા રસ્તા ચાલવા બાબતે માથાકુટ કરી હતી અને વાહન ચલાવવાની જગ્યા પર રસ્તામા વચ્ચે વીજ પોલ નાખી દીધા હતા . જો કે બાદમા પોલીસને બોલાવતા પોલીસે રસ્તાની વચ્ચો વચ્ચ નાખી દીધેલા થાંભલાઓ હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો. આ સમયે કોટડા સાંગાણી પોલીસમા રામકુ વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી.
રામકુ વિરૂધ્ધ ખંડણીના ચારેક ગુના !
નામચીન ગણાતા રામકુ વિરુધ્ધ અગાઉ ચારેક ખંડણીનાં ગુના પોલીસ ચોપડે નોંધાઇ ચુકયા હોવાનુ મયુરભાઇ પાસેથી જાણવા મળી રહયુ છે તેમજ આરોપી રામકુ અરડોઇ ગામમા ધંધો કરતા કારખાનેદારો અને પેપર મીલનાં માલીકોને ધંધો કરવામા કનડગત ઉભી કરે છે અને મીલમા કામ કરતા મજુરોને રસ્તામા ધમકીઓ આપી માર મારે છે. તેની આ લુખ્ખાગીરીથી અરડોઇ ગામનાં પેપર મીલનાં માલીકો અને કારખાનેદારો તેમજ ધંધાર્થીઓ ત્રાસી ગયા છે.
સ્થાનિક પોલીસ કાંઇ કરતી નથી, SPને રજૂઆત કરાશે : મિલ માલિક
અરડોઇ ગામમા લુખ્ખાગીરીની ઘટનાથી ફરીયાદી મયુરભાઇ પટેલે જણાવ્યુ હતુ કે રામકુ અને તેનાં સાગ્રીતો દ્વારા અવાર નવાર ગામમા માથાકુટ કરવામા આવે છે અને નિર્દોષ લોકોની સાથે મારામારી કરે છે જેથી સ્થાનીક પોલીસને અનેકવાર રજુઆતો પણ કરી અને ફરીયાદો પણ કરી પરંતુ તેનાથી કંઇ ફેર પડતો નથીે જેથી હવે એસપી હિમકરસિંહને રજુઆત કરવામા આવશે .