હોળી-ધુળેટી ગોઝારી બની, અકસ્માત, આગ, આપઘાતથી 21નાં મોત
ગુજરાત માટે હોળી-ધુળેટીનો તહેવાર ગોઝારો બન્યો હોય તેમ બે દિવસમાં 21 લોકોના મોત નીપજ્યાં છે. જેમાં માર્ગ અકસ્માતમાં 13 લોકોના, આગમાં ત્રણ લોકોના અને આપઘાત- ડૂબી જવાની ઘટનામાં પાંચ લોકોના મોત નીપજ્યાં છે. રાજકોટની એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગતા 3ના મોત ધુળેટીના દિવેસ રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલ એટ્લાન્ટિસ બિલ્ડિંગના પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી હતી. જેમાં અજયભાઇ મકવાણા, કલ્પેશભાઈ લેવા અને મયૂરભાઈ લેવા નામના બે પિતરાઈ ભાઈના મોત થયા છે. સ્વિગીના ડિલિવરી મેન અજયભાઈ બિલ્ડિંગમાં પાર્સલ ડિલિવરી કરવા ગયા ને આગની ચપેટમાં આવી જતા મોત નીપજ્યું હતું.ત્રણેય મૃતક બહારના છે અને ત્રણેય ડિલિવરી કરવા માટે આવ્યા હતા.
વડોદરા
વડોદરામાં બે અકસ્માતમાં ચારના મોત વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ મુક્તાનંદ સર્કલ પાસે ગઈકાલે (13 માર્ચ, 2025) રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં ઘટનાસ્થળે જ હેમાલી પટેલ નામની મહિલાનું મોત થયું હતું. જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને પગલે પોલીસે આરોપી કારચાલક રક્ષિત ચોરસિયા અને તેની બાજુમાં બેઠેલા યુવક (પ્રાંશુ)ની ધરપકડ કરી કરી છે. આ બન્ને યુવકે ડ્રગ્સ લીધું હોવાનો પણ ખુલાસો થયો છે. બીજી ઘટનામાં વડોદરાના પોર નજીક અર્ટિગા કારનો ગમખ્વાર અકસ્માત થયો છે. સુરતના એક પરિવારની પાવાગઢથી પરત ફરતા અર્ગિટા કાર હાઈવેથી નીચે ઉતરી ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય પાંચ લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર હોસ્પિટલ ખસડેવામાં આવ્યા હતાં.
નડિયાદ
નડિયાદમાં હોળી-ધુળેટીના દિવસે બે અકસ્માતમાં બેના મોત ખેડા જિલ્લામાં હોળી-ધુળેટીના તહેવાર દરમિયાન બે અલગ-અલગ વાહન અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. પહેલો બનાવ ગળતેશ્વર તાલુકાના અંઘાડી ગામે બન્યો હતો. માલવણ ગામના હિતેશભાઈ શાંતિલાલ પટેલ હોળીના દિવસે મિત્રની મોટરસાયકલ લઈને આણંદ ગયા હતા. મોડી રાત્રે પરત ફરતી વખતે ગળતી નદીના પૂલ પર અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. ગંભીર ઈજાઓને કારણે ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બીજો અકસ્માત ધુળેટીના દિવસે નડિયાદમાં બન્યો હતો. 22 વર્ષીય યોગેશ ઉર્ફે યુવરાજ દિલીપભાઈ રાજપૂત પોતાના બનેવીના ઘરેથી મોટરસાયકલ લઈને નીકળ્યા હતા. સંતરામ મંદિર પાછળની લેબોરેટરી નજીકથી પસાર થતી વખતે પૂરપાટે આવતી ફોર્ચ્યુનર કારે તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં યોગેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
જામનગર
જામનગરમાં કપાસ ભરેલા ટ્રકમાં કરંટ લાગતાં એકનું મોત, 4ને ઈજા 14 માર્ચે કાલાવડ-જીવાપર રોડ પર રાધેશ્યામ ગૌશાળા પાસે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. કપાસ ભરેલા ટ્રક પર બેઠેલા પાંચ મજૂરોને હાઈવોલ્ટેજ વીજ લાઈનનો કરંટ લાગ્યો હતો. આ દુર્ઘટનામાં એક મજૂરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અન્ય ચાર મજૂરોને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
જામનગર નજીક મોરકંડા ગામમાં હોળીની રાત્રે એક સામાન્ય બોલાચાલી હત્યામાં પરિણમી હતી. મોરકંડાની ધાર વિસ્તારમાં રબારી સમાજના ત્રણ સગા ભાઈઓ પર જીવલેણ હુમલો થયો હતો. હુમલામાં 25 વર્ષીય મુન્નાભાઈ હુણને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ થયું હતું. તેમના ભાઈ મુકેશ રબારીને પણ ગંભીર ઈજાઓ થતાં સરકારી જી. જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
અન્ય બે ભાઈઓ અરજણભાઈ સુધાભાઈ ઉંણ (ઉં.વ.30) અને દેવરાજભાઈ સુદાભાઈ ઉંણ (ઉં.વ.35)ને પણ ઈજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રાજકોટ
આઈસરનું ટાયર ફાટતાં રાજકોટના બે યુવકના મોત, બેને ઈજા હોળીના દિવસે (13 માર્ચ) રાજકોટથી દાહોદ તરફ જઈ રહેલા ડીજે સાઉન્ડ સિસ્ટમ ભરેલા આઇસર ટ્રકનો ધોળકા-બગોદરા હાઇવે પર ગાંગડ ગામ નજીક આવેલા નાયરા પેટ્રોલ પંપ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આઈસરનું ટાયર ફાટતાં પલટી ખાતાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે.
અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને વ્યક્તિઓમાં રાજકોટના જંગલેશ્વર વિસ્તારના 19 વર્ષીય શાહિદભાઈ ઈકબાલભાઈ ડોસાણી અને સેન્ટ્રલ જેલ પાછળ પોપટપરા વિસ્તારના 55 વર્ષીય નરસિંહભાઈ પોપટભાઈ બાવરીયાનો સમાવેશ થાય છે. વાહનમાં સવાર અન્ય બે વ્યક્તિને સામાન્ય ઈજા થઈ છે. ઘાયલ થયેલા લોકોમાં વાહન ચાલક મોહીનભાઈ શાહનવાઝ સાદમદાર (ઉં.વ. 25, રહે. સેન્ટ્રલ જેલ પાછળ, રાજકોટ) અને કેવલ મુકુંદભાઈ ખોબીયા (ઉં.વ. 31, રહે. ગોપાલનગર રાજકોટ)નો સમાવેશ થાય છે.
બાવળા
અમદાવાદ-બાવળા હાઈવે પર કારની ટક્કરે સિક્યુરિટી ગાર્ડનું મોત હોળીના દિવસે અમદાવાદ-બાવળા હાઈવે પર મટોડા પાટિયા પાસે ઓવરસ્પીડમાં આવી રહેલી એક કારે બે બાઇક અને એક એક્ટિવાને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર પ્રકાશભાઈ હુરજીભાઇ મીના (ઉં.વ.32)નું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મૃતક પ્રકાશભાઈ છેલ્લા 5 વર્ષથી એક ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. તેઓ મૂળ રાજસ્થાનના વતની હતા અને હાલમાં સાણંદમાં રહેતા હતા.
લાઠી
અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં ધુળેટીના દિવસે પતિએ ખુની ખેલ ખેલ્યો હતો. ગુલાબભાઈ કરીમભાઈ સમાએ તેમની 26 વર્ષીય પત્ની રેહાનાબેનની છરી વડે હત્યા કરી નાખી છે. અન્ય પુરૂૂષ સાથે આડા સંબંધની શંકામાં પત્નીને છરીના ઘા મારી રહેંસી નાખી હતી. ઘટનાની જાણ થતાં લાઠી પોલીસ અને ઋજક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
અરેઠ
સુરતના માંડવી તાલુકાના અરેઠ ગામમાં અકસ્માત સર્જાતા ટ્રેક્ટરચાલક રમેશભાઈ મીચરાભાઈ ચૌધરી (ઉં.વ.58)નું મૃત્યુ થયું હતું. 13 માર્ચની સવારે 10:30 વાગ્યે રમેશભાઈ પોતાના એસ્કોર્ટ કંપનીના ટ્રેક્ટર (નંબર ૠઉં.5.અઅ.1811) સાથે ક્વોરીમાં કામ કરી રહ્યા હતા. ક્વોરીમાંથી ઉપર ચઢતી વખતે તેમણે ટ્રેક્ટરના સ્ટીયરિંગ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. આ દરમિયાન ટ્રેક્ટર સાથે તેઓ ખાણમાં પડી ગયા હતા. અકસ્માતમાં રમેશભાઈને માથા અને ડાબા પગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
ઉંઝા
વિસનગર તાલુકાના તરભ ગામના રાજપૂત વાસના રહેવાસી કરસનસિંહ મોંઘાજી રાજપૂત (ઉં.વ.62) પોતાના બાઇક પર હોળીના પ્રસંગમાં જઈ રહ્યા હતા. કરલીથી તરભ ગામ જવાના રોડ પર જીઇબી સ્ટેશન નજીક એક અજાણ્યા વાહનચાલકે તેમના બાઇકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ગંભીર રીતે ઘવાયેલા કરસનસિંહને 108 એમ્બ્યુલન્સ મારફતે ઊંઝા કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
માંડવી
માંડવીની કરંજ GIDCમાં યુવતીનો આપઘાત સુરત જિલ્લાના માંડવી તાલુકાની કરંજ GIDCમાં 14 માર્ચે આપઘાતની ઘટના બનવા પામી છે. અહીં સિમેન્ટના બ્લોક બનાવતી એક કંપનીમાં 20 વર્ષની યુવતી કંપનીના રૂૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવ્યું હતું. યુવતી અને તેનો ભાઈ એકલા જ આ રૂૂમમાં રહેતા હતા. હોળી-ધુળેટી પર્વની રજા હોવાથી તેનો પરિવાર વતન સેલંબા-સાગબારા ગયો હતો. મૃતક યુવતી પરિવારમાં બે ભાઈની એક જ બહેન હતી.
ગઢડા
બોટાદના ગઢડા નજીક કાળુભાર નદીમાં નાહવા પડેલા 2ના મોત ગઢડાના ચોસલા ગામ નજીક હોળીના દિવસે કાળુભાર નદીમાં નાહવા પડેલા ચાર રાજસ્થાની મજૂરોમાંથી બે જણા ડૂબી ગયાની ઘટના બની હતી. જેમાં બે વ્યક્તિઓનો બચાવ થયો હતો જ્યારે બે લોકોના ડૂબી જતા મોત નીપજ્યા હતા. મૃત્યુ પામેલા બંને વ્યક્તિઓની ઓળખ પવનસિંહ અને પૃથ્વીસિંહ તરીકે થઈ છે. આ ચારેય વ્યક્તિઓ રાજસ્થાનના સિકર જિલ્લાના વતની છે અને ચોસલા ગામમાં કડિયા કામ કરતા હતા.
નર્મદા કેનાલ
થરાદમાં ગુમ યુવતીનો કેનાલમાંથી મૃતદેહ મળ્યો થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી ધુળેટીના દિવસે એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. ડેલ પુલ નજીક એક યુવતીએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાની જાણ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂૂ કર્યું હતું. યુવતીના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, યુવતી ગઈકાલે ગુમ થઈ હતી.
બારડોલી
બારડોલીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું બારડોલીમાં 25 વર્ષીય પરિણીતા પલ્લવીબેને ઘરેલું હિંસા અને માનસિક ત્રાસને કારણે આત્મહત્યા કરી લીધી છે. પલ્લવીના પિતા બાલાસાહેબ ભટકરે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, પલ્લવીએ દોઢ વર્ષ પહેલા રાહુલ માળી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેનો પતિ રાહુલ, સાસુ અનિતાબેન અને જેઠ હર્ષદભાઈ તેને ઘરકામ બાબતે સતત ટોણા મારતા હતા. તેઓ કહેતા કે તારે જ ઘરમાં કામ કરવું પડશે કારણ કે, તું જાતે અમારા ઘરમાં આવી છે. આરોપીઓએ પલ્લવીનું મંગળસૂત્ર પણ કાઢી લીધું હતું અને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપતા હતા. પરેશાન થઈને પલ્લવીએ અલગ રહેવાનું નક્કી કર્યું અને વંદનાનગરમાં રહેવા ગઈ. ત્યાં પણ રાહુલ ઘરખર્ચ કે રાશન-શાકભાજી ન લાવતો અને ઝગડો કરી શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. આ સતત ત્રાસથી કંટાળીને પલ્લવીએ પોતાના ઘરમાં છતની એંગલ સાથે ઓઢણી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો.