હાઈસ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી અને કલાર્ક રૂપિયા બે લાખની લાંચ લેતા ઝડપાયા
લોધિકાના પાળ ગામની ગાયત્રી હાઈસ્કૂલના નિવૃત્ત કર્મચારીના હક્ક-હિસ્સા ચુકવવા રૂા.3 લાખ માંગ્યા, બે લાખમાં પતાવટ કરતાં ફસાયા
રાજકોટની વાણીયાવાડીમાં એસીબીની ટીમે લોધિકાના પાળ ગામની ગાયત્રી હાઈસ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી અને કલાર્કને રૂા.બે લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધા હતાં. હાઈસ્કૂલનાં નિવૃત્ત કર્મચારીના મોંઘવારીના 53 ટકા મુજબ એરીયર્સ બીલની રકમ તથા રજા રોકડ રકમમાં રૂપાંતર કરી રૂા.12.15 લાખની રકમ ઝડપથી મળે તે હેતુ માટે 3 લાખની લાંચ માંગ્યા બાદ બે લાખમાં સેટીંગ થયું હતું.
મળતી વિગતો મુજબ, લોધિકાના પાળ ગામે આવેલી ગાયત્રી હાઈસ્કૂલનાં પૂર્વ કર્મચારી હાલ નિવૃત્ત હોય તેમની નિવૃત્તી બાદ મોંઘવારીના 53 ટકા મુજબ એરીયર્સ અને અન્ય રજા રોકડ રૂપાંતરની રકમ મળી રૂા.12.15 લાખ તેમને મળવા પાત્ર રકમ હોય જે રકમ ઝડપથી મળે તે હેતુ માટે ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ગુણવંતરાય ચુનિલાલ ખીરા (ઉ.74) અને કલાર્ક ધર્મેન્દ્ર ભાનુશંકર ખીરા (ઉ.55)એ ત્રણ લાખની લાંચ માંગી હતી. રકજક બાદ અંતે બે લાખ રૂપિયા નક્કી થયા હતાં.
જે રકમ રાજકોટનાં વાણીયાવાડી ખાતે રહેતાં કલાર્કના ઘરે આપી જવાની વાત થઈ હતી. આ મામલે નિવૃત્ત કર્મચારીએ એસીબીમાં કરેલી ફરિયાદને આધારે ઈન્ચાર્જ મદદનીશ નિયામક જે.એમ.આલના સુપર વીઝન હેઠળ પીઆઈ આર.આર.સોલંકી અને તેમની ટીમે છટકુ ગોઠવી બે લાખની લાંચ લેતાં ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી ગુણવંતરાય ખીરા અને કલાર્ક ધર્મેન્દ્ર ખીરાને રાજકોટનાં વાણીયાવાડી 2/16 ખાતે જલદીપ મકાન ખાતેથી લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધા હતાં. આ મામલે એસીબીએ બન્નેના રિમાન્ડ મેળવવા માટે અને વધુ પુછપરછ કરવા માટે તજવીજ હાથ ધરી છે.