ગોંડલના જાટ યુવકના મોત મામલે પોલીસને સીસીટીવી ફૂટેજ જાળવવા હાઇકોર્ટનો હુકમ
14 જુલાઇએ રાજકોટ પોલીસને પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા આદેશ, મૃતકના પરિવારે સીબીઆઇ તપાસની કરેલી માંગ અંગે સુનાવણી
ગોંડલમાં પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટના મોત મામલે પીડિતા પરિવાર હાલ પણ ન્યાય માટે ઝંખી રહ્યો છે. મૃતક રાજકુમારના પિતાએ આ કેસમાં સીબીઆઇ તપાસ થાય તે માટે અગાઉ હાઈકોર્ટમાં અરજી કરી હતી. સાથે જ પોલીસ પૂર્વ ધારાસભ્ય અને તેના પુત્રને બચાવતી હોવાનો પણ અરજીમાં આક્ષેપ કર્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે કેસનાં પ્રોગ્રેસ રિપોર્ટને રજૂ કરવા પોલીસને હુકમ કર્યો છે. સાથે જ સમગ્ર કેસમાં સીસીટીવી ફૂટેજ રિઝર્વ કરવા પણ નિર્દેશ આપ્યા છે. મૃતક રાજકુમાર જાટના પિતા દ્વારા અગાઉ હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં ઉલ્લેખ કરાયો હતો કે સમગ્ર ઘટનાનાં સંપૂર્ણ સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની માગ પણ કરાઇ હતી છતાં જાહેર કરાયા નથી. અરજીમાં તપાસનીસ અધિકારીની તપાસ સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે મારપીટ અને બાદમાં અકસ્માત દરમ્યાન રાજસ્થાની જાટ યુવકના રહસ્યમય મોતના ચકચારભર્યા કેસમાં પીડિત પરિવારજનો તરફથી ગુજરાત હાઇકોર્ટમાં ન્યાય માટે કરેલી રિટ અરજીમાં હાઈકોર્ટે રાજય સરકાર સહિતના સંબંધિત પક્ષકારો વિરૃધ્ધ નોટિસ જારી કરી છે. વધુમાં, જસ્ટિસ હસમુખ ડી.સુથારે આ કેસની તપાસમાં પોલીસ દ્વારા થયેલ તપાસને લઈ સરકારપક્ષને વેધક સવાલ કર્યા હતા અને આગામી મુદતે તપાસનો પ્રગતિ અહેવાલ રજૂ કરવા હુકમ કર્યો હતો.
સાથે સાથે હાઈકોર્ટે પીડિત પરિવાર તરફથી જે સીસીટીવીની વાત કરાઈ છે, તે તમામ સીસીટીવી ફુટેજીસ જાળવવા પણ સરકાર પક્ષને કડક નિર્દેશ કર્યો હતો અને આ માટે સંબંધિત પોલીસ સત્તાવાળાઓને સૂચના આપી દેવા પણ સ્પષ્ટ તાકીદ કરી હતી. પીડિત પરિવાર દ્વારા આ સમગ્ર કેસમાં સ્થાનિક પોલીસ પાસેથી તપાસ આંચકી સીબીઆઈ મારફ્તે ન્યાયિક તપાસ કરાવવા માંગણી કરતી રિટ અરજીમાં પરિજનો તરફ્થી જયરાજસિંહ અને તેમના પુત્ર ગોંડલને પોલીસ બચાવી રહી હોવા સહિતના કેટલાક ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. પીડિત પરિવારજનો તરફથી કરાયેલી રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, આ કેસમાં બોગ બનનાર જાટ યુવકના મોતનું સ્પષ્ટ કે સાચુ કારણ સામે આવ્યું નથી.
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે મારપીટ બાદ યુવકનું અકસ્માતમાં મોત નીપજયુ હોવાનો તંત્ર દ્વારા દાવો કરાયો છે પરંતુ વાસ્તવમાં આ અકસ્માતે મોત નહી પરંતુ હત્યાનો સંગીન કેસ હોય એવું જણાઈ રહ્યું છે.ખુદ પીએમ રિપોર્ટમાં યુવકના શરીર પર સંખ્યાબંધ ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું હતું. તો, બીજી વખત કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મરનાર યુવકના શરીરના જુદા જુદા ભાગો પર 42 જેટલી ઇજાઓ સામે આવી છે. જેમાં કોઈ બોથડ પદાર્થથી શરીરના વિવિધ ભાગો પર બહુ ગંભીર ઇજાઓના નિશાન જણાયા છે. સીસીટીવી ફુટેજ પોલીસે રજૂ કર્યા છે, તે સીલેકટીવ, સળંગ અને સાતત્યપૂર્ણ નથી. ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હોય સમગ્ર કેસમાં સીસીટીવી રિઝર્વ કરવા પણ હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી આગામી 14 જુલાઈના રોજ હાથ ધરાશે.