પોકસો એકટના ગુનામાં આરોપીની જામીન અરજી મંજૂર કરતી હાઇકોર્ટ
સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં ધરપકડ થઈ’તી
રાજકોટ શહેરના જામનગર રોડ સાંઢીયા પુલ વિસ્તારની સગીરાના અપહરણ દુષ્કર્મ અને પોકસો એકટ હેઠળના ગુનામાં જેલ હવાલે આરોપીની જામીન અરજી હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.
રાજકોટના જામનગર રોડ સાંઢીયા પુલ વિસ્તારમાં રહેતા આ કામના ફરીયાદી ગત તા. 08/ 02/ 2025ના રોજ પોતાના નિત્ય ક્રમ નોકરીએ ગયેલ હતા,પાછળથી પોતાની સગીર પુત્રીનું કોઈ અજાણ્યા ઈસમે અપહરણ કરી ગયા અંગેની ફરીયાદ નોંધાવેલ હતી. જેના અનુસંધાને પોલીસ દ્વારા તપાસ કરતા ભોગબનનારને આરોપી અવિનાશ હરેશભાઈ વાઘેલા ભગાડી ગયાની હકીકત તપાસ દરમ્યાન ખુલવા પામતા પોલીસ દ્વારા આરોપીને 14/ 2/ 2025ના રોજ જુનાગઢ ખાતે આરોપીના સગાના ઘરેથી ઝડપી લઇ ભોગ બનનારનો કબજો લીધો હતો, જે ભોગ બનનારનું નિવેદન લેતા આરોપીએ તેની સાથે અવાર-નવાર શરીર સંબંધ બાંધેલાની હકીકત ખુલવા પામતા પોલીસ દ્વારા સ્પે. પોકસો કોર્ટની મંજૂરીથી આરોપી વિરૂૂધ્ધ બી.એન.એસ.ની કલમ 87, 64(1) તેમજ પોકસો એકટની કલમ 4 મુજબ ઉમેરો કર્યો હતો, તેમજ આરોપીને તપાસ અને ધોરણસરની કાર્યવાહી બાદ આરોપીને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો.
જે ગુન્હાના કામે આરોપીએ જામીન પર છુટવા માટે સ્પે. પોકસો કોર્ટમાં જામીન અરજી ગુજારેલ હતી, જે જામીન અરજી સ્પે. પોકસો કોર્ટે નામંજુર કરેલ હતી. જેથી ગુજરાત હાઈકોર્ટમાં આરોપીએ પોતાના વકીલ મારફત રેગ્યુલર જામીન અરજી ગુજારી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા અરજદાર તરફે એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજુઆતોને ધ્યાનમાં રાખી તેમજ આરોપીના બચાવમાં રજુ કરવામાં આવેલા ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના જુદા જુદા ચુકાદાઓને ધ્યાનમાં લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ કામના ઉપરોકત આરોપી અવિનાશ હરેશભાઈ વાઘેલાને રેગ્યુલર જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.
આ કેસમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ.જાદવ, મદદનીશમાં અભય ચાવડા અને વિક્રમ કિહલા રોકાયા હતા.
