ભાણવડ પંથકમાં યુવતીના અપહરણ અને દુષ્કર્મ સબબ વિધર્મી શખ્સ ઝડપાયો
ભાણવડ પંથકમાં રહેતી એક યુવતીનું અપહરણ થતા આ ગંભીર મુદ્દે પોલીસે તાકીદની કાર્યવાહી કરી, લાલપુરના રહીશ એવા વિધર્મી શખ્સને દબોચી લીધો હતો.
આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં રહેતી એક યુવતીનું ગત તા. 30 જુલાઈના રોજ અપહરણ થવા પામ્યું હતું. આ પ્રકરણમાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સાહિલ ઈબ્રાહીમ સમા નામના શખ્સે યુવતીને લલચાવી ફોસલાવીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હોવાની જાહેર થયું છે. આટલું જ નહીં, આરોપી શખ્સએ યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે લાલપુરથી ભાણવડ સતત સંપર્ક રાખ્યો હતો. આ પછી આરોપી સાહિલે તેણીનું મોટરસાયકલ પર અપહરણ કરી અને ભગાડી ગયો હતો. આ ઉપરાંત આરોપી સાહિલ સમા દ્વારા હોટલમાં રહેવા માટે ખોટું સરકારી ડોક્યુમેન્ટ ઊભું કરી, આ પછી તેણીની મરજી વિરુદ્ધ તેની સાથે સવાર નવાર શારીરિક સંબંધ બાંધી, દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ ભોગ બનનાર દ્વારા ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ ગંભીર બનાવ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી વી.પી. માનસેતા અને પી.એસ.આઈ. યુ.બી. અખેડની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભીને આરોપી સાહિલ ઈબ્રાહીમ સમાની અટકાયત કરી લીધી હતી.
