હૃદયરોગનો હુમલો : રાજકોટમાં સંબંધીના ઘરે આવેલા ગઢડા પંથકના વૃધ્ધનું હાર્ટ ફેલ
અગાઉ જયા નોકરી કરતાં ત્યાં મળવા અને દવા લેવા આવેલા વૃધ્ધ બેભાન હાલતમાં ઢળી પડતા બાદ મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાય છે. જેમાં ગઢડાના હરીપર ગામે રહેતા વૃધ્ધ રાજકોટમાં અગાઉ જ્યાં નોકરી કરતાં હતાં ત્યાં મળવા અને દવા લેવા માટે આવ્યા હતાં તે દરમિયાન સંબંધીના ઘરે રોકાયા બાદ હૃદયરોગનો હુમલો આવતાં મોત નિપજ્યું હતું. વૃધ્ધના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગઢડા તાલુકાના હરિપર ગામે રહેતા કરશનભાઈ માલાભાઈ રાઠોડ નામના 60 વર્ષના વૃધ્ધ રાજકોટમાં રામનાથપરામાં રહેતાં સંબંધી દીનેશભાઈના ઘરે હતાં ત્યારે હૃદય રોગનો હુમલો આવતાં બેભાન હાલતમાં ઢળી પડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન વૃધ્ધનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એ-ડીવીઝન પોલીસને જાણ કરતાં એ-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક કરશનભાઈ રાઠોડને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી છે.કરશનભાઈ રાઠોડ રાજકોટમાં અગાઉ જ્યાં સિકયોરિટી ગાર્ડમાં નોકરી કરતાં હતાં ત્યાં મળવા અને પોતાની દવા લેવા માટે આવ્યા હતાં. તે દરમિયાન સંબંધીના ઘરે રોકાતા હૃદયરોગનો હુમલો આવતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.