For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એઈમ્સમાં સિનિયર મહિલા તબીબની સતામણી, એક વર્ષ અરજી દબાવી રાખી

11:44 AM Oct 01, 2024 IST | Bhumika
એઈમ્સમાં સિનિયર મહિલા તબીબની સતામણી  એક વર્ષ અરજી દબાવી રાખી
Advertisement

વડાપ્રધાન કાર્યાલય સુધી ફરિયાદો કરી છતાં કોઈ પગલાં લેવાયા નહીં, રાજકોટ એઈમ્સ ઉપર કબજો જમાવીને બેઠેલી શક્તિશાળી-લોબીના કરતૂતો સામે આક્રોશ

કોલકત્તાની આરજી કાર હોસ્પિટલના નામે આંદોલન કરતા ભાજપ નેતાઓ અને સરકારને તમાચો

Advertisement

કોલકત્તાની આરજી કાર હોસ્પિટલમાં મહિલા તબીબના દુષ્કર્મ અને જધન્ય હત્યાકાંડના મામલે ગુજરાતમાં ભાજપ અને ભાજપ સરકાર દ્વારા ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતમાં જ રાજકોટની એઈમ્સમાં સિનિયર મહિલા તબીબની એઈમ્સના જ શક્તિશાળી અધિકારીઓએ જાતિય સતામણી કર્યાની ફરિયાદ બહાર આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. મહિલા સશક્તિકરણના નામે સરકાર ઢોલ પીટી રહી છે પરંતુ સરકારના નાક નીચે જ રાજકોટની એઈમ્સમાં મહિલા તબીબની એઈમ્સના જ ઉચ્ચ અધિકારીઓએ જાતિય સતામણી કરી માનસિક અત્યાચાર ગુજાર્યાની ફરિયાદ એક એક વર્ષ સુધી દબાવી રાખવામાં આવી હોવાની હકીકતો બહાર આવી છે.
મળતી માહિતી મુજબ, છેલ્લા 20 વર્ષથી કેન્દ્ર સરકારની વિવિધ મેડીકલ હોસ્પિટલોમાં ફરજ બજાવી છેલ્લે રાજકોટ એઈમ્સમાં ફરજ બજાવતાં મહિલા તબીબે એઈમ્સના જવાબદાર અધિકારીઓ, મહિલા આયોગ, કેન્દ્ર સરકારના પોર્ટલ તેમજ વડાપ્રધાન સુધી ફરિયાદ કરવા છતાં આ મહિલા તબીબને આજ સુધી ન્યાય નહીં મળ્યાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. છેલ્લે કંટાળીને આ મહિલા તબીબે રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ ફરિયાદ કરી ન્યાય માટે પોકાર કરતાં અંતે તપાસ શરૂ કરવામાં આવી છે અને એઈમ્સના વહીવટી અધિકારીની તાત્કાલીક બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

મહિલા તબીબે જિલ્લા કલેકટરને સંબોધીને ગત તા.30 ઓગસ્ટના રોજ કરેલી અરજીમાં હૈયા વરાળ ઠાલવતાં લખ્યું છે કે પોતે 28 માર્ચ 2023ના રોજ રાજકોટ એઈમ્સમાં પેથોલોજી વ્યાખ્યાચાર તરીકે જોડાયા હતાં. પરંતુ રાજકોટ એઈમ્સમાં કામ કરવા દરમિયાન વહીવટી ગુંડાગીરી, ઉત્તપીડન અને લીંગ આધારીત ભેદભાવનો પોતે સામનો કરી રહ્યાં છે. આ બારામાં તેમને નવેમ્બર 2023માં મહિલા આયોગ, 1 જુલાઈ 2024નાં રોજ પી.એમ.ઓ. પોર્ટલ, અને ઓકટોબર 2023માં તેના માતા પિતા દ્વારા આરોગ્ય મંત્રાલય સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. જેના કારણે એઈમ્સમાં વહીવટી તંત્રમાં ખાસ કરીને વહીવટી અધિકારી જયદેવ વાળા તેને રોજીંદા કાર્યસ્થળે ભારે હેરાનગતિ કરી રહ્યાં છે અને અલગ અલગ માધ્યમો દ્વારા સતત ડરાવી રહ્યાં છે.

મહિલા તબીબે લખ્યું છે કે હું પોતે રાજકોટની સ્થાનિક નથી રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતાં મારા બે સગીર બાળકોના સિંગલ પેરેન્ટ તરીકે છું અને મારી સાથે મારા માતા-પિતા પણ રહે છે. એઈમ્સ રાજકોટની શકિતશાળી વહીવટી લોબી સામે મે ફરિયાદનું વલણ અપનાવતાં મને નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું છે. ગુંડાગીરીની ઘટનાઓ બાદ મેં શાળાના સત્તાવાળાઓને પણ જાણ કરી આ કારણે મને રાજકોટમાં મારા અને મારા પરિવારને સલામતી માટે સતત ડર લાગે છે કારણ કે જયદેવ વાળા રાજકોટમાં સ્થાનિક રાજપૂત સમુદાયના પ્રભાવશાળી વ્યક્તિ છે. જેમની હેઠળ એઈમ્સ રાજકોટમાં વિવિધ કરાર આધારીત સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ, હાઉસ કીપીંગ અને અન્ય ભરતીઓ કરવામાં આવે છે.

અરજીમાં જણાવ્યું છે કે હું 17 વર્ષથી રાષ્ટ્રની મહત્વની સંસ્થાઓ જેવી કે ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલ મુંબઈ, એઈમ્સ પટના, એઈમ્સ રાયપુર સહિતની સંસ્થાઓમાં ક્ધસલ્ટન્ટ તરીકે કામ કરી ચુકી છું અને કામના વાતાવરણમાં રાજકોટની સ્થિતિ અસહ્ય છે. એઈમ્સ રાજકોટના કેટલા ફેકલ્ટી સભ્યો અને ખાસ કરીને મહિલા અધ્યાપકોએ આના કારણે નોકરી છોડી દીધી છે.

આમ રાજકોટ કલેકટરને કરેલી આ અરજી બાદ રાજકોટ એઈમ્સમાં ચાલતી વહીવટી માફીયાગીરીનો ભાંડો ફુટયો છે અને કેટલાક અધિકારીઓ આખી એઈમ્સ ઉપર કબજો જમાવીને બેઠ્ા હોવાનું બહાર આવ્યું છે ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઉચ્ચસ્તરીય કમીટી બનાવી આ બારામાં તટસ્થ તપાસ કરાવે તો અનેક કૌભાંડો પણ બહાર આવવાની પુરી શકયતા જાણકારો દર્શાવી રહ્યાં છે.

કલેક્ટર સમક્ષ મહિલા તબીબે ફરિયાદ કરતા વહીવટી અધિકારી જે.બી. વાળાને એઈમ્સમાંથી હટાવી લેવાયા
રાજકોટ એઇમ્સમાં સીનીયર મહિલા ડોકટરની કલેકટરને તા.2ઓગસ્ટની ફરિયાદ બાદ રાજયના શીક્ષણ વિભાગે તાકિદે પગાલા લઇને એઇમ્સના વહીવટી અધિકારીએ જે.બી.વાળાને એઇમ્સના વહિવટમાંથી હટાવી લીધા હતા. અગાઉ તા.27/07/22થી એક વર્ષના સમય માટે જે.બી.વાળા નિમણૂંક કરવામાં આવી હતી. જેને બે વખત લંબાવીને 24/08/24ના રોજ સમાપ્ત કરી લેવામાં આવી હતી. સરકારના શિક્ષણ વિભાગના ઉપસચિવ જે.ટી.બાંધણીયાની યાદી પ્રમાણે એઇમ્સના વહિવટી અધિકારી તરીકે જે.બી.વાળાની પ્રતિનીયુકતીની દરખાસ્ત અસ્વિકાર કરવામાં આવી છે.

ડોક્ટરોની સુરક્ષા મુદ્દે ગાજતી સરકાર જે.બી. વાળાના ઘૂંટણિયે પડી ગઈ
કલકત્તાની આર.જી. કાર હોસ્પિટલની જઘન્ય ઘટના મુદ્દે સરકારે મંત્રી મંડળ સહિત ગુજરાતમાં ધરણા સહિતના કાર્યક્રમો કર્યા હતાં. પરંતુ રાજકોટની એઈમ્સ હોસ્પિટલમાં મહિલા તબીબની અનેક ફરિયાદો છતાં સરકારે એઈમ્સના વહીવટી અધિકારી જે.બી. વાળા સામે ઘુંટણિયા ટેકવી દીધા હતાં. મહિલા તબીબે મહિલાઆયોગ, વડાપ્રધાન કાર્યાલય, કલેક્ટર ઓફિસ તથા પોલીસ કમિશનર સુધી ફરિયાદો કરી છતાં જે.બી. વાળાનો વાળ પણ વાંકો થયો નહીં. સૌથી અગત્યની વાત એ છે કે, એઈમ્સના વહીવટી અધિકારી માટે એવીપીટીઆઈ કોલેજના ક્લાસ-2ના કોમ્પ્યુટર વિષયના લેક્ચરરને કઈ રીતે જવાબદારી સોંપી દેવાઈ આ ઉપરાંત જવાબદારી સોંપ્યા બાદ પણ બે-બે વર્ષ સુધી તેને રિન્યુ કરી દેવાઈ હતી. જે.બી. વાળાએ એઈમ્સનો ભરડો લઈ પોતાનું સામ્રાજ્ય પાથરી દીધું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement