રેલવે ઓવરબ્રિજની નીચેથી અર્ધનગ્ન હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
મૃતક યુવાન ના નાકમાંથી લોહી નીકળ્યું, પીઠમાં પણ ઉઝરડાં હોવાથી માર મરાયો હોવાની આશંકા
જામનગરમાં ગુલાબનગર રેલ્વે ઓવરબ્રીજની નીચે રેલવેના પાટા પાસેથી આજે વહેલી સવારે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળી આવતાં ભારે ચકચાર જાગી છે. મૃતકના નાકમાંથી લોહી નીકળી ગયું હોવાથી તેમજ પીઠના ભાગે ઉઝરડાના નિશાનો હોવાથી તેને માર મરાયો હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે.
ઉપરોક્ત બનાવ અંગે આજે વહેલી સવારે પોલીસને જાણ થતાં સીટી બી. ડિવિઝનની પોલીસ ટુકડી, તેમજ રેલવેના પોલીસ વિભાગની ટીમ ઉપરોક્ત સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં જઈને નિરીક્ષણ કરતાં આશરે 40 થી 45 વર્ષની વયના એક અજાણ્યા પુરુષનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં પડ્યો હતો.
મૃતકનું બ્લેક કલરનું પેન્ટ કાઢેલું અને બાજુમાં પડેલું હતું, જ્યારે તેણે માત્ર જાંબલી કલરનો શર્ટ પહેરેલો છે. ઉપરાંત તેના નાકમાંથી લોહી નીકળી ગયું હોવાથી અને શરીર ઉપર ઉઝરડાના નિશાન હોવાથી પોલીસે આ પ્રકરણમાં મૃતક યુવાનને માર મારવામાં આવ્યો હોવાની આ શંકા વ્યક્ત કરી છે. જે મૃતદેહનો પોલીસ દ્વારા કબજો સંભાળવામાં આવ્યો છે, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી, મૃતકની ઓળખ કરવા કાર્યવાહી આરંભાઇ છે. આ બનાવ અકસ્માતનો છે, કે આત્મહત્યા નો, અથવા તો હત્યાનો છે, તે અંગે હજુ ચોક્કસપણે જાણી શકાયું નથી. સમગ્ર મામલામાં પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.