બાઇક અને રિક્ષાની ચોરી કરતો રીઢો તસ્કર ઝડપાયો: ત્રણ ગુનાના ભેદ ખુલ્યા
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા શીતલ પાર્ક નજીક ભાડા માટે મુસાફરો શોધતા શંકાસ્પદ શખ્સને સંકજામાં લઇ પૂછપરછ કરતા ત્રણ વાહન ચોરીના ભેદ ઉકેલાયા હોવાનું બહાર આવ્યું છે. ગાંધીગ્રામ પોલીસે એક રીક્ષા અને બે બાઇક સહિત 1 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.જે.કરપડાની રાહબરીમાં પો.સબ.ઇન્સ એસ.એસ.ગોહીલ, મશરીભાઇ ભેટારીયા, રોહીતભાઇ કછોટ અને મુકેશભાઇ સબાડ સહિતના સ્ટાફે પેટ્રોલિંગ સમયે શીતલ પાર્ક નજીક રીક્ષા લઇને ઉભા રહેલા શખ્સને ઉઠાવી લઇ પૂછપરછ કરતા પોતે પોતાનું નામ જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગોંવીદભાઇ પરમાર (રહે. મોરબી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ રખડતો ભટકતો મુળ.જોડીયા ગામ)હોવાનું જણાવ્યું હતું. તેમણે ગાંધીગ્રામ વિસ્તારમાંથી એક રીક્ષા અને 2 બાઇક ચોરી થયાની કબૂલાત આપી હતી. પોલીસે 1 લાખના વાહન કબજે ર્ક્યા છે. તેમજ અન્ય કોઇ જગ્યાએ ચોરી કરી છે કેમ? તે અંગે તપાસ શરૂ કરી છે. આરોપી અગાઉ વાહન ચોરી અને ઘરફોડ ચોરી સહિત આઠ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.