ગોંડલના મોટા દડવા ગામે પતંગ ઉડાડવા મુદ્દે ધારીયા-પાઇપ ઉડયા : પાંચને ઇજા
ગોંડલના મોટા દડવા ગામે ઉતરાયણનો તહેવાર લોહીયાળ બન્યો હોય તેમ પતંગની દોરી મુદે 10 જેટલા શખ્સોએ એકજ પરીવારના 7 જેટલા લોકો પર ધારીયા અને પાઇપ જેવા હથીયાર વડે હુમલો કર્યો હતો. હુમલામા સગર્ભા સહીત પાંચ લોકોને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલના મોટા દડવા ગામે ઝુપડપટ્ટીમા રહેતા દિનેશભાઇ નરશીભાઇ સોલંકી (ઉ.વ. પ0) તેના પુત્ર વિનુ દિનેશભાઇ સોલંકી (ઉ.વ. ર0) અરવિંદ દિનેશભાઇ સોલંકી (ઉ.વ. રર) દિનેશભાઇના પિતા નરશીભાઇ નારણભાઇ સોલંકી (ઉ.વ. 80) અને મયુર દાદુભાઇ સોલંકી (ઉ.વ. 14) સાંજના છએક વાગ્યાના અરસામા પોતાના ઘર પાસે હતા ત્યારે કાળુ, જગુ અને રામજી સહીતના 10 જેટલા અજાણ્યા શખ્સોએ ધારીયા, પાઇપ અને ચેન ચકકરથી હુમલો કરી માર માર્યો હતો જે હુમલામા એક સગર્ભાને પણ બેફામ માર મારવામા આવતા તે બેભાન હાલતમા ઢળી પડી હતી.
હુમલામા ઘવાયેલા ઉપરોકત પાંચેય ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા. પ્રાથમીક પુછપરછમા પતંગની દોરી મુદે બોલાચાલી થયા બાદ પરીવાર ઉપર દસ જેટલા શખ્સો હથીયાર વડે તુટી પડયા હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.