જૂનાગઢ-વેરાવળમાં 10 વર્ષમાં 48 ગુના આચરનાર ટોળકી સામે ગુજસીટોક
જૂનાગઢ અને વેરાવળ પંથકમાં છેલ્લા 10 વર્ષથી ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા ભયનું વાતાવરણ ઊભું કરનાર સંગઠિત ગુનાહિત ટોળકી સામે જૂનાગઢ એલસીબીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. સરગવાડા, ગાંધીગ્રામ અને કોયલીના 5 નામચીન શખ્સો સામે તાલુકા પોલીસ મથકમાં ગુજસીટોક (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ટોળકીએ 6 સપ્ટેમ્બર 2015થી 9 ઓક્ટોબર 2025 સુધીમાં 48 ગંભીર ગુનાઓ આચર્યા છે, જેમાં ખૂન, ખૂનની કોશિશ, ખંડણી, લૂંટ, અપહરણ, હથિયારધારા અને મિલકતોને નુકસાન જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. એલસીબી પી.આઈ. કૃણાલ પટેલની આગેવાની હેઠળ નોંધાયેલી ફરિયાદમાં આરોપીઓની ઓળખ ભાવેશ ઉર્ફે ભાવિન ખોડા બઢ (સરગવાડા), કરશન ગલ્લા મારી (ગાંધીગ્રામ), દિલીપ ઉર્ફે દિલા ભગા છેલાણા (ગાંધીગ્રામ), નીલેશ ઉર્ફે નીલું ખોડા બઢ (સરગવાડા) અને જાદવ ઉર્ફે લાખો સાંગા હુંણ (કોયલી, વંથલી) તરીકે થઈ છે.
ફરિયાદમાં જણાવાયું છે કે ભાવેશ આ ટોળકીનો મુખ્ય સરગના છે, જેણે અન્ય આરોપીઓ સાથે મળીને સંગઠિત રીતે ગુનાઓ આચર્યા છે. આ ટોળકીએ જૂનાગઢ, વેરાવળ, ચોટલી, વંથલી, મેંદરડા અને બીલખા જેવા વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા લોકોમાં ભય ફેલાવ્યો હતો. પોલીસ રેકોર્ડ અનુસાર ભાવેશ સામે 14, કરશન સામે 8, દિલીપ સામે 7, નિલેશ સામે 10 અને જાદવ સામે 9 ગુના નોંધાયેલા છે. આ પાંચેય આરોપીઓએ મળીને કુલ 48 ગુનાઓ આચર્યા છે. પોલીસે આ કેસમાં કરશન ગલ્લા મારીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ કાર્યવાહીથી પંથકમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાગે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.