દેશવ્યાપી 800 કરોડના છેતરપિંડી કૌભાંડમાં 10ની ધરપકડ કરતી ગુજરાત પોલીસ
છેતરપિંડી માટે 482 બેંક એકાઉન્ટસનો ઉપયોગ, 1549 ઓનલાઇન ફરિયાદો નોંધાઇ હતી, સાયબર ક્રાઇમ યુનિટનો સપાટો
સુરત શહેરમાં ગુજરાત સાયબર ક્રાઇમ યુનિટ દ્વારા એક અત્યંત મોટા અને વ્યાપક સાયબર ફાઇનાન્સિયલ છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં કુલ ₹800 કરોડથી વધુની રકમની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ વિશાળ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડીને, સાયબર પોલીસે કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે.
આ રેકેટ દ્વારા ઓનલાઇન ફાઇનાન્સિયલ ફર્મના નામે લોકોને છેતરવામાં આવતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે છેતરપિંડીની આ પ્રવૃત્તિઓ માટે આરોપીઓએ કુલ 482 બેન્ક એકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો હતો. આ કૌભાંડ એટલું વ્યાપક હતું કે રાષ્ટ્રીય હેલ્પલાઇન 1930 પોર્ટલ પર તેના સંબંધમાં 1549 ઓનલાઇન ફરિયાદો નોંધાઈ હતી, જેના આધારે દેશભરમાં વિવિધ રાજ્યોમાં 22 એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.સાયબર ક્રાઇમની ટીમે આરોપીઓની ઓફિસ અને રહેઠાણો પર દરોડા પાડીને મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જે આ કૌભાંડની ગંભીરતા દર્શાવે છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં નીચેની વસ્તુઓનો સમાવેશ થાય છે.
શું મળ્યું?
બેન્ક એકાઉન્ટ્સ કિટ્સ: 529
એટીએમ કાર્ડ: 447
સિમ કાર્ડ્સ: 686
મોબાઇલ ફોન: 60
લેપટોપ: 2
કયુઆર કોડ્સ: 17
સાઉન્ડ બોક્સ: 11