ભાયલા નજીક હાઇવે પર ગાયના ધણ સાથે કાર અથડાતાં 4 ગાયના મોત
બગોદરા - અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના હાઈવે રોડ ઉપર રખડતા પશુ સાથે વાહન ચાલકોના અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે બાવળા-બગોદરા હાઈવે પર ફરી એકવાર ગાયોના ધણ સાથે કાર અથડાતા ચાર ગાયના મોત નિપજ્યાં છે તેમજ એક પશુ અને કારમાં સવાર ત્રણ વ્યક્તિને ઈજા થઇ છે.
બાવળા-બગોદરા હાઇવે પર આવેલા ભાયલા ગામ પાસે ફોરવ્હિલ ગાડીમાં સવાર લોકો અમદાવાદથી ગણપતિપુરા જઇ રહ્યા હતા. ત્યારે હાઇવે પરથી પસાર થતાં રસ્તે રખડતી ગાયના ટોળા સાથે કાર અથડાઇ હતી. અકસ્માતમાં ચાર ગાયના મોત નીપજ્યાં છે જ્યારે એક ગાયને ઇજા થતાં સારવાર માટે જીવદયા પ્રેમીઓએ 1962 પશુ હેલ્પલાઇનને જાણ કરતા સરાવાર અર્થે ખસેડવામાં આવી છે. જ્યારે અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોને ઇજા પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે હાઇવે પર રખડતા ઢોરના કારણે ભૂતકાળમાં પણ ગંભીર અકસ્માત સર્જાયા છે ત્યારે હાઇવે અથોરિટી સહિતના જવાબદાર તંત્ર રસ્તા પર રખડતા ઢોરને પકડી પાંજરે પુરવામાં આવે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે.