ઓનલાઇન કમિશનના નામે જૂનાગઢના ગ્રાફિક ડીઝાઇનર સાથે 95 લાખની ઠગાઇ
સ્મોલ ફાયનાન્સથી માંડી રાષ્ટ્રીયકૃત બેંક ખાતા અને 23 યુપીઆઇ આઇડીનો છેતરપિંડીમાં ઉપયોગ કરાયો
પ્રથમ થોડા પૈસા જમા કર્યા બાદ સાયબર ગઠિયાઓએ વધુ પૈસા કમાવાની લાલચ આપતા યુવાન ઉંડો ઉતર્યો!
જૂનાગઢના રાયજીનગરમાં રહેતા અને બી.ટેક. થયેલા યુવાનને સાયબર ગઠીયાઓએ ઓનલાઇન પ્રોપર્ટીની જાહેરાત કરવા પેટે કમિશન આપવા લાલચ આપી હતી. શરૂૂઆતમાં થોડા રૂૂપિયા જમા પણ કર્યા હતા.યુવક વિશ્વાસમાં આવી જતા તેણે રોકાણ કર્યું હતું. જેમાં યુવાન ઉંડો ઉતરતો ગયો હતો.અલગ અલગ ખાતાઓમાં તેણે 95 લાખ જમા કરાવ્યા હતા તે પરત મળ્યા ન હતા. આ અંગે યુવાને ફરિયાદ કરતા રેન્જ સાયબર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ વિગત મુજબ,શહેરના રાયજીનગર શેરી નં. 10માં રહેતા પાર્થ જીતેન્દ્રભાઈ આરદેશણા (ઉ.વ. 33) બી. ટેક. થયેલો છે. છેલ્લા બે વર્ષથી ઘરે બેઠા કોમ્પ્યુટર પર ગ્રાફિક્સ ડિઝાઇનરનું કામ કરે છે. તેના પિતા નિવૃત્ત બેંક કર્મચારી છે. ગત તા 22 જાન્યુ.ના પાર્થ આરદેશણા બપોરે ઘરે હાજર હતો. ત્યારે તેના વોટ્સએપ પર શ્રૂતિ નામની યુવતીનો મેસેજ આવ્યો હતો. જેમાં તેણીએ જોબ માટેની માહિતી મળી છે તમને આ બાબતની જાણકારી આપીશ એમ કહેતા પાર્થે હા પાડી હતી અને આ યુવતીને કોઈ ફાયનાન્સીયલ રોકાણ વગરનું કામ હોય તો મને જણાવી શકો છો એમ કહેતા યુવતીએ અમારી કંપનીનું નામ રેન્ટ છે, જે આખી દુનિયામાં ઓનલાઈન વર્ક દ્વારા ઘર લે-વેંચ અને ભાડે આપવાનું કામ કરે છે, તમારે અમારી વેબસાઈટ પર જવાનું અમે જે પ્રોપર્ટી ભાડે અથવા લે-વેંચ માટે મુકી હોય તેની ઓનલાઈન જાહેરાત કરવાની છે, તેના પર તમને કમિશન મળશે. પાર્થે વેબસાઈટની લીંક પર જઈ આઈડી બનાવ્યું હતું. ઓનલાઈન કામ કરતા તેના કમિશન પેટે પ્રથમ 746 રૂૂપીયા મળ્યા હતા.
ગુગલ પર તપાસ કરતા રેન્ટ કંપની મોટી અને સમગ્ર દુનિયામાં પ્રોપર્ટી ભાડે અથવા લે-વેંચ કરતી હોવાનું જાણવા મળ્યું હતું. શ્રૂતિએ ટેલીગ્રામ એપમાં બનેલ ગુ્રપમાં એડ કર્યો હતો. જેમાં ઘણા બધા ગુ્રપ મેમ્બર હતા. ગુ્રપ એડમિન તરીકે અમરજીતસિંગ નામ હતું. આ લોકો કંપનીમાં રોકાણ કરી મોટું કમિશન મેળવતા હોવાના અને તેના રૂૂપીયા જમા થયાના સ્ક્રિનશોર્ટ મુકતા હતા. પાર્થને આ બાબત પર વિશ્વાસ આવી ગયો હતો. પાર્થે તા. 27-1-2025 ના 8000 રૂૂપીયા તેના આઈડીમાં જમા કરાવ્યા હતા. જેમાં કમિશન એડ થઈ તે 13,697 થયા હતા. આ શખ્સોએ મોટી રકમ જમા કરવાથી વધુ કમિશન મળશે તેવી લાલચ આપતા પાર્થે 31,000 જમા કર્યા હતા તેના 41,516 50,000 જમા કરતા 70,447 રકમ જમા થઈ હતી. સાયબર ગઠીયાઓએ વધુ રોકાણ કરવાથી વધુ પૈસા મળશે તેવી લાલચ આપી હતી.
આ લાલચમાં આવી પાર્થે અલગ-અલગ યુપીઆઈ આઈડી અને બેંક ખાતાઓમાં કુલ 96.73 લાખ જમા કરાવ્યા હતા. તેમાંથી 1.25 લાખ પરત આવ્યા હતા બાકીના 95.47 લાખના તેના આઈડી પર 1.81 કરોડ જમા બોલતા હતા પરંતુ તે વિડ્રો થતા ન હતા. પોતાની સાથે થયેલી 95.47 લાખની છેતરપિંડી અંગે સાયબર પોલીસને લેખિત અરજી આપી હતી. જેના આધારે આજે રેન્જ સાયબર પોલીસે અજાણ્યા સાયબર ગઠીયાઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પાર્થ આરદેસણા સાથે છેતરપિંડી કરનારાઓએ ઈન્ડિયન બેંક, ફેડરલ બેંક, કેનેડા બેંક, બંધન બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, સિટી યુનિયન બેંક, ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક સહિત ર3 યુપીઆઈ આઈડી અને ખાતાઓનો ઉપયોગ કર્યો છે. સાયબર પોલીસ દ્વારા આ ખાતાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે.