For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભેંસાણમાં છેડતીના કેસમાં સરઘસ કાઢવાના પ્રકરણમાં પીઆઇ સોનારાની બાકીની સજા માફ કરતા રાજ્યપાલ

04:20 PM Jun 14, 2025 IST | Bhumika
ભેંસાણમાં છેડતીના કેસમાં સરઘસ કાઢવાના પ્રકરણમાં પીઆઇ સોનારાની બાકીની સજા માફ કરતા રાજ્યપાલ

ત્રણ પોલીસમેન એક વર્ષની સજા પૂરી કરી હતી, સોનારાએ ત્રણમાંથી દોઠેક વર્ષ સજા ભોગવ્યા બાદ જેલ મુકતનો હુકમ

Advertisement

ભેસાણમાં છેડતીના કેસમાં એક ગૃહસ્થને માર મારીને સરઘસ કાઢવાનાં ચકચારી પ્રકરણમાં એક પોલીસ ઈન્સ્પેક્ટર અને ત્રણ પોલીસ કોન્સ્ટેબલને સજા પડી હતી. પોલીસ કર્મચારીઓએ સજા પૂરી કરી લીધી, જ્યારે પીઆઇ બી.પી. સોનારાને અડધી સજા પૂરી થઈ ત્યારે રાજ્યપાલે બાકીની સજામાં માફી આપી છે અને તેમને તાત્કાલિક જેલમુક્ત કરવાનો હુકમ કર્યો છે.

ભેસાણમાં સલૂન ચલાવતા હિંમતભાઈ ધીરૂૂભાઈ લીંબાણીની અટકાયત કરી પોલીસે માર મારીને સરઘસ કાઢયું હતું. લાંબી કાનૂની લડાઈ બાદ આ કેસના આરોપી એવા ત્રણ પોલીસ કર્મચારી અને પીઆઇ બી.પી. સોનારાએ જેલમાં જવું પડયું હતું. બી.પી. સોનારાએ તા. 23.11.23 ના ભેસાણ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. ત્રણ વર્ષની કેદ સજાને દોઢ વર્ષ જેટલો સમય થયો છે તે સમય દરમિયાન આરોપી બી.પી. સોનારાએ બાકીની સજા માફીની અરજી રાજ્યપાલ સમક્ષ કરી હતી. રાજ્યપાલ દ્વારા તા9.6.25ના મોરબી સબજેલ ખાતે આઇપીસી 323- 325ના ગુનામાં સજા ભોગવી રહેલા બળવંત પ્રભાતભાઈ સોનારાને થયેલી કેદની સજાનો બાકીનો ભાગ માફ કરવા તથા તાત્કાલિક અસરથી જેલમુક્ત કરવાનો હુકમ કર્યો છે. ગૃહ વિભાગના ઉપ સચિવ મયુરસિંહ વાઘેલા દ્વારા રાજ્યપાલના નામે આ હુકમ કરવામાં આવ્યો છે.

Advertisement

તે હુકમમાં શરતો રાખવામાં આવી છે કે જેલમુક્ત થયા પછી ગંભીર ગુનો હશે તો કેદની સજાનો બાકીનો ભાગ જેલમાં ભોગવવો પડશે, જેલ મુક્ત થયા પછી એક વર્ષ સુધી નજીકના પોલીસ સ્ટેશનને દર મહિને એકવાર હાજરી પુરાવવાની રહેશે, દંડની રકમ ભરપાઈ કરવાની જો બાકી રહેતી હોય તો તે રકમ ભરપાઈ થયા બાદ કેદીને જેલ મુક્ત કરવાના રહેશે.

આ બનાવનો ઘટનાક્રમ શુ હતો?
ભેસાણના હિંમતભાઈ લીંબાણી પર વર્ષ 2004માં તે વખતના પી.એસ.આઇ. બી. પી. સોનારા અને ત્રણ પોલીસ કર્મીઓએ છેડતીનો કેસ કર્યો હતો. તેમની અટકાયત કરી માથાના ભાગે ફ્રેક્ચર કર્યું, કાનનો પડદો તોડી નાખ્યો, કાળું મોઢું કરાવી મૂછ અને નેણ કાઢી દોઢ કિલોમીટર સુધી સરઘસ કાઢયું હતું. હિંમતભાઈએ પોતાને આ રીતે અન્યાય થયો હોવા મુદ્દે કાયદાકીય જંગ શરૂૂ કર્યો હતો. ભેસાણની કોર્ટે વર્ષ 2017માં તત્કાલીન પીએસઆઇ બી.પી. સોનારાને ત્રણ વર્ષ અને ત્રણ પોલીસમેનને એક એક વર્ષની સજા ફટકારી હતી. આરોપીઓ સેશન્સ કોર્ટમાં ગયા, જ્યાં નીચલી કોર્ટનો ચુકાદો માન્ય રહ્યો હતો. હાઇકોર્ટમાં પણ એમ જ થયું અને અંતે સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો માન્ય રાખતો હુકમ વર્ષ 2023માં કરી તાત્કાલિક બી.પી. સોનારા તથા ત્રણેય પોલીસ કર્મીઓને ભેસાણની કોર્ટમાં સરેન્ડર થવાનો આદેશ કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement