મોટી ખાવડીની ખાનગી કંપનીમાંથી 13 લાખના માલ સામાનની ચોરી
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના એરિયામાંથી કટકે કટકે રૂૂપિયા 13 લાખ ની કિંમતના માલ સામાનની ચોરી થઈ ગઈ હતી, જે ચોરી અંગે મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. જ્યારે ત્રણ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાથી તેઓના નામો પોલીસ સમક્ષ જાહેર કરાયા છે. જેને પોલીસ શોધી રહી છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ ભાવનગરના વતની અને હાલ મોટી ખાવડીમાં એક ખાનગી કંપનીના એરિયામાં સાર સંભાળ રાખતા હાર્દિકભાઈ યોગેશકુમાર શાહ કે જેઓએ મેઘપર પોલીસ મથકમાં પોતાની કંપનીના એરિયામાંથી કુલ 162 નંગ મિશ્ર ધાતુના સ્પેરપાર્ટસની ચોરી થઈ ગયા ની ફરિયાદ નોંધાવી છે, અને આશરે તેની કિંમત 13 લાખ રૂૂપિયા જેટલી થવા જાય છે.
ઉપરોક્ત ચોરીની ફરિયાદમાં ખાનગી કંપની દ્વારા લગાવાયેલા સીસીટીવી કેમેરામાં ત્રણ તસ્કરો કેદ થયા હતા. જેમાં લાલપુરના મેઘપરમાં રહેતો વિજય વાઢેર, મેમાણા ગામનો વિશ્વરાજસિંહ જાડેજા અને જોગવડ નો આર્યન પરમાર કે જેઓ એક વાહન મારફતે ઉપરોક્ત ચોરાઉ સામગ્રી લઈ જઈ રહ્યા હોવાનું સીસીટીવી કેમેરા ના માધ્યમથી ધ્યાનમાં આવ્યું હતું.
જે ત્રણેય શખ્સો એક ખાનગી પેટા કંપનીમાં કામ કરતા હતા, અને મોટીખાવડીના યાર્ડના એરિયામાં આવીને ચોરી કરી પલાયન થઈ ગયા હતા.જે ત્રણેય શખ્સોને મેઘપર પોલીસ શોધી રહી છે.
