ગોંડલના યુવાનનું અપહરણ, ખંડણી માંગી ઢોરમાર માર્યો
પ્રેમ પ્રકરણ મામલે મદદ કરનાર કારચાલકને ઉઠાવી જનાર ચાર શખ્સો દ્વારા હત્યાનો પ્રયાસ
ગોંડલમાં શિવમ સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા યુવકનું જસદણ ના કનેસરા પાસેથી ચાર શખ્સોએ અપહરણ કરી રૂૂ. 1.80 લાખની ખંડણી માંગી તેના ઉપર જીવલેણ હુમલો કરતા આ મામલે ભાડલા પોલીસ મથકમાં બે ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ ગોંડલમાં શિવમ સોસાયટીમાં રહેતા હરેશગીરી ઉર્ફે રવિ ગીરધરગીરી ગોસ્વામી (ઉ.વ.37)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં કનેસરાના ચંદુ ઉર્ફે સંજય સુખાભાઈ મકવાણા, દિનેશ સુખા મકવાણા અને ખોડા તેમજ સાગર નામના આપ્યા હતા હરેશગીરીનું ચારેય શખ્સોએ કનેસરાથી અપહરણ કરી ગોંધી રાખી રૂૂા.1.80 લાખની ખંડણી માંગી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
હરેશગીરીએ પોલીસને જણાવ્યું કે ગઈ તા. 10નાં અજાણ્યા શખ્સે તેને કોલ કરી તમને ગઇકાલે શાપરથી અમરેલી મજૂરને મૂકવા ફોન કરેલ હતો તે ભાઈ બોલુ છું, આજે પણ રીબડા બે મજૂરને વીરનગર અને વીરનગરથી આઠ મજૂરને અમરેલી મૂકવા જવાનું છે છે તેમ કહેતા વાતચીત થયા બાદ તે રીબડા ગયા હતાં. જ્યાંથી બે શખ્સો તેની ગાડીમાં બેસી જતાં ભાડુ નક્કી કરી તમામ રવાના થયા હતાં. રીબડાથી વીરનગર થઈ કનેસરા પહોંચતાં આ શખ્સો તેને ધાકધમકી આપી, ડ્રાઇવર સીટ નીચે ઉતારી, તેની જ કારમાં અપહરણ કરી ગયા હતાં. થોડે આગળ જતાં આરોપીઓએ તેને નીચે ઉતારી એકે તેની આંખમાં મરચું નાખ્યું હતું જ્યારે બીજાએ તેની કારની પાછળનો દરવાજો ખોલી, દરવાજાનો જમ્પ તોડી એક માથામાં ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં બંને તેને મારકૂટ કરવા લાગ્યા હતા. આ સમયે ત્રીજો આરોપી ત્યાં આવ્યો હતો. તેણે પણ મારકૂટ કરતાં તે અર્ધબેભાન થઇ ગયા હતાં.
આ ત્રણેય વાતચીત કરતાં હોય તેમાં એક ખોડા બાવળિયા, સંજય મકવાણા અને સાગર બોલતા હતાં. તેની આંખ ખુલતા જોયું તો અગાઉ તેના ગોંડલ મકાનનો બાજુમાં રહેતો કનેસરાનો ચંદુ ઉર્ફે સંજય મકવાણા પણ હતો. ત્યાંથી તેને ફરી બાઈક પર થોડે દૂર પવનચક્કી પાસે લઈ જઈ ખાડામાં રખાયો હતો. જયાંથી તે ભાગીને એક વાડીએ જતો રહ્યો હતો. ત્યાંથી તેના મિત્રોને ફોન કરી જાણ કરી હતી.
આ સમયે આરોપી દિનેશ ફરી ત્યાં આવ્યો હતો અને વાડી માલિકને તે પોતાનો સંબંધી હોવાનું કહી ફરીથી બાઇક પર અન્ય પવનચક્કી પાસે લઈ ગયો હતો. બાદમાં આરોપીઓએ અમને રૂૂા. 20 હજાર આપ તો જ તને જવા દઈશું કહેતા તેણે તેના મિત્ર દિગ્વિજયસિંહને કોલ કરી રૂૂા. 20 હજાર આપી જવાનું કહ્યું હતું. ત્યારબાદ આરોપી સંજયે મારે હવે રૂૂા. 20 હજાર નથી લેવા, તું હવે મને મારી ઘરવાળીને તારો મિત્ર પુનિત થોડાક મહિના પહેલા ભગાડીને લઈ ગયેલ હતો, તેના મારા દીકરાના નામે રૂૂા. 1.80 લાખ આપ તો તને જવા દઈશું તેમ વાત કરી હતી. આ સમયે પોલીસ આવી જતાં આરોપીઓને પકડી લઈ કાર્યવાહી કરી હતી.
આરોપી સંજયની પત્ની અને હરેશગીરીના મિત્ર પુનિત રાઠોડ વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી બંને ભાગી ગયા હતાં. ત્યારે તે તેની ગાડી લઈને ભાડે જતાં પુનિત તેનો મિત્ર હોવાનો ખાર રાખી અપહરણ કરી, હુમલો કરાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું,આ મામલે ભાડલા પોલીસે ગુનો નોંધી ચારેયને સકંજામાં લીધા છે.