ગોંડલના ટ્રાન્સપોર્ટરને રૂા.8.50 લાખ ચુકવી દીધા છતાં બે વ્યાજખોરોના ત્રાસ
પઠાણી વ્યાજની ઉઘરાણી કરી ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોંધાઈ
ગોંડલના કપુરીયા ચોકમાં રહેતા ટ્રાન્સપોર્ટરે ધંધાના કામ માટે નાણાની જરૂર ઉભી થતાં ગોંડલના બે શખ્સો પાસે પાંચ ટકા વ્યાજે રૂા.8.50 લાખ જેટલી રકમ વ્યાજે લીધા બાદ તે રકમ વ્યાજ સહિત ચુકવી દીધા છતાં બન્ને વ્યાજખોરોએ વધુ રકમ પડાવવા વ્યાજની ઉઘરાણી કરી ધમકી આપતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ, ગોંડલના કપુરીયા ચોકમાં શેરી નં.6માં રહેતાં અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં રાજભાઈ ઘેલાભાઈ બાંભવાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે યાજ્ઞીક દિનેશ કડીયા અને નાગજી અલગોતરનું નામ આપ્યું છે. રાજ બાંભવાને રૂપિયાની જરૂર પડતાં ગોંડલના બન્ને શખ્સો પાસેથી 14 પાસ પૂર્વે 8.50 લાખ વ્યાજે લીધા હતાં. જે રકમ વ્યાજ સહિત ચુકવી દીધા છતાં બન્ને શખ્સોએ વધુ રકમ પડાવવા માટે પઠાણી વ્યાજની ઉઘરાણી કરી રાજ બાંભવા પાસે અવારનવાર પઠાણી વ્યાજની ઉઘરાણી કરી ધમકી આપવાનું શરૂ કર્યુ હતું. વ્યાજખોરોની ધમકીથી કંટાળી અંતે ટ્રાન્સપોર્ટર રાજ બાંભવાએ બન્ને વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.