ગોંડલના ડૈયા ગામે પીજીવીસીએલના કર્મચારીના પુત્રના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ
મોટર સાયકલ ઉપર ભાગી ગયેલા બે શખ્સોની શોધખોળ
ગોંડલના ડૈયા ગામે રહેતા પીજીવીસીએલના કર્મચારીનો પુત્ર સોડા લેવા દુકાને ગયો હોય જ્યાંથી પરત આવતી વખતે સરનામું પુછવાના બહાને બે શખ્સોએ તેના ગળામાંથી સોનાના ચેન અને પેન્ડલની ચીલઝડપ કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બે શખ્સોની શોધખોળ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ ગોંડલના ડૈયાગામે રહેતા ભરતભાઈ જાદવભાઈ છોટાળાનો પુત્ર અક્ષ ગામમાં આવેલી ઠંડાપીણાની દુકાને સોડા લેવા ગયો હતો. ત્યાંથી તે ઘરે પરત આવતો હતો ત્યારે ડૈયાગામે આવેલ મસ્જીદ વાળી શેરીમાં મોટરસાયકલ પર આવેલા બે શખ્સોએ અક્ષને રસ્તામાં રોક્યો હતો અને બન્ને શખ્સોએ ગોંડલ તરફ જવાનો રસ્તો પુછવાના બહાને તેને રસ્તામાં રોકી અક્ષના ગળામાં પહેરેલો સોનાનો ચેઈન અને સોનાના પેન્ડલની ચીલઝડપ કરી ભાગી ગયા હતાં. આશરે 26000ના ચેઈન અને પેન્ડલની ચીલઝડપ કરી ભાગી છુટેલા બન્ને શખ્સો સામે ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.