મૈત્રી કરારના 20 લાખની ઉઘરાણીમાં યુવતીના પરિવારનો યુવકના માતા-પિતા ઉપર હુમલો
વાંકાનેરનાં હસનપર ગામે રહેતા યુવાને રાજકોટમા રહેતી યુવતી સાથે સમાજની સમજુતીથી મૈત્રી કરાર કર્યા હતા . જે મૈત્રી કરારના રૂ. ર0 લાખની ઉઘરાણીમા યુવતીના પરીવારે નિંદ્રાધીન યુવકનાં માતા - પિતા પર કુહાડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા દંપતીને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી મળતી વિગત મુજબ વાંકાનેરનાં હસનપર ગામે રહેતા હીરાભાઇ લક્ષ્મણભાઇ સરીયા (ઉ.વ. પ0) અને તેમનાં પત્ની કંકુબેન હીરાભાઇ સરીયા (ઉ.વ. પ0) રાત્રીનાં સાડા બારેક વાગ્યાનાં અરસામા દેવુબેનની વાડીએ સુતા હતા ત્યારે ગોપાલ અને વિજય સહીતનાં શખસોએ કુહાડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામા ગંભીર રીતે ઘવાયેલા દંપતીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા .
પ્રાથમીક પુછપરછમા ઇજાગ્રસ્ત દંપતીનાં પુત્ર મનોજ સરીયાએ રાજકોટમા રહેતા ભુપત કરણા બાંભવાની પુત્રી કિંજલ સાથે એક માસ પુર્વે સમાજની સમજુતીથી રૂ. ર0 લાખ આપવાની શરતે મૈત્રી કરાર કર્યા હતા. જે રૂપીયાની ઉઘરાણીમા યુવતીનાં પરીવારે યુવકનાં માતા - પિતા પર હુમલો કરી મૈત્રી કરાર કરનાર કિંજલને તેડી ગયા હતા . કિંજલના અગાઉ આવી રીતે બે વખત લગ્ન કરી તેના પરીવારે રૂપીયા પડાવ્યા હોવાનો ઇજાગ્રસ્ત દંપતીએ આક્ષેપ કર્યો છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .