રાજકોટના બે પરિવારને લૂંટેરી દુલ્હન ગેંગનો ભેટો: રૂા.3.43 લાખની છેતરપિંડી
નાગપુરની બે યુવતી સાથે લગ્ન કરાવી લગ્ન ખર્ચના નાણા પડાવ્યા: થોડા દિવસોમાં બંને યુવતી વતનમાં જવાનું કહી પરત ન આવી
લૂંટેરી દુલ્હન લગ્ન વાચ્છુકોને ફસાવી નાણા કે દાગીના તફડાવી ફરાર થઇ જતી હોવાનો બનાવો અવાર-નવાર સામે આવતા રહે છે. ત્યારે વધુ એક બનાવમાં રાજકોટના બે પરિવારને લૂઁટેરી દુલ્હન ગેંગનો ભેટો થઇ જતા રૂા.3.43 લાખની છેતરપીંડી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.
જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટમાં રાધિકા સોસાયટી-1મા રહેતા જાગૃતિબેન રમેશભાઇ સલાટ (ઉ.વ.40)એ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુરતના વિજય મહેશભાઇ ધકાણ, મહારાષ્ટ્રના નાગપુરના જીતેન્દ્ર ફૂલીચંદ રોકડે, કોમલબેન રાહુલભાઇ શાહ, અનુષ્કા શ્યામચરણ રાઉત, મયુરીબેન ગણેશભાઇ બોરકરના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના પુત્ર કિશોરના લગ્ન કરવા હોવાથી સુરતમાં મેરેજ બ્યુરો ચલાવતા વિજય ધકાણે નાગપુરની યુવતી હોવાનુ અને તમારે લગ્ન ખર્ચે આપવો પડશે તેમ કહેતા ફરિયાદી પરિવાર સાથે નાગપુર જતા નાગપુરમાં મેરેજ બ્યુરો ચલાવતા કોમલ શાહ અને જીતેન્દ્ર રોકડને મળાવ્યા હતા અને મયુરી નામની યુવતી બતાવતા પુત્રને પસંદ પડતા નાગપુર કોર્ટમાં લગ્ન કરી ત્રણેય દલાલને રૂા.1.68 લાખ ચૂકવ્યા હતા અને યુવતી સાથે લગ્ન કરી રાજકોટ લાવ્યા હતા.
બાદમાં 25 દિવસ સુધી રહ્યા બાદ આરોપી કોમલ અને તેનો પતિ રાહુલ રાજકોટ આવ્યા હતા અને મયુરીના કાકા બીમાર છે અને મયુરીને પરીક્ષા આપવાની છે. તેમ કહી મયુરીને લઇ ગયા હતા બાદમાં મયુરી પરત ન આવતા અને લગ્ન ખર્ચેના પૈસા પરત માંગતા આરોપીએ ફોન ઉપાડતા ન હતા.
દરમિયાન કોઠારીયા ગામે બાલાજી પાર્કમાં રહેતા ઉમેશભાઇ જમનાદાસ ઠકરારના પુત્રના લગ્ન પણ આ જ રીતે આરોપીઓએ અનુષ્કા સાથે લગ્ન કરાવી રૂા.1.75 લાખ ખર્ચેના લઇ બાદમાં અનુષ્કા લગ્ન પ્રસંગમાં જવાનુ કહી નાગપુર ગયા બાદ પરત ન આવી તેની સાથે પણ છેતરપીંડી કર્યાનું જણતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે આજીડેમ પોલીસે બંને પરિવાર સાથે રૂા.3.43 લાખની છેતરપીંડી આચરનાર લૂંટેરી દુલ્હન ગેંગ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.