બેંકના કર્મચારીની ઓળખ આપી યુવાન પાસેથી ક્રેડીટ કાર્ડના OTP મેળવી ગઠિયાએ રૂા.1.16 લાખ ઉપાડી લીધા
રાજકોટ શહેરમા સાયબર સેલ પોલીસ દ્વારા શાળા અને કોલેજોમા સાયબર ફ્રોડથી બચવા માટે અનેકવાર સેમીનાર કરવામા આવે છે તેમજ લોકોમા જાગૃતી આવે તેનાં માટે શહેરોનાં માર્ગો પર પોસ્ટર પણ લગાવવામા આવ્યા છે . આમ છતા પણ લોકો સાયબર ફ્રોડનો ભોગ બની રહયા હોવાનુ જાણવા મળી રહયુ છે.
ત્યારે રાજકોટ શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમા લાખનાં બંગલા પાસે ઓમ એપાર્ટમેન્ટમા રહેતા અને ભીલવાસ ચોક નજીક આવેલી ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરીમા માર્કેટીંગ હેડ તરીકે નોકરી કરતા ધ્રુવ દીલીપભાઇ ભટ્ટ (ઉ.વ. 3પ ) નામનાં યુવાનને એચડીએફસી બેંકનાં કર્મચારીની ઓળખ આપી ગઠીયાએ ક્રેડીટ કાર્ડ એકટીવ કરાવવાનુ કહી પાંચ જેટલા ઓટીપી મેળવી 1.16 લાખ રૂપીયા પડાવી લીધાની ફરીયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમા નોંધાઇ છે.
સાયબર ફ્રોડમા ફરીયાદી ધ્રુવ ભાઇએ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓને ગઇ તા. 16-7 નાં રોજ અજાણ્યા નંબરમાથી કોલ આવ્યો હતો . અને તેમણે એચડીએફસી બેંકનાં ક્રેડીટ કાર્ડ વિભાગમાથી વાત કરુ છુ તેવી ઓળખ આપી હતી. ત્યારબાદ તેમણે કહયુ હતુ કે તમે જે ક્રેડીટ કાર્ડ લીધુ છે તે હાલ એકટીવ નથી.
જો તમારે આ કાર્ડ એકટીવ કરાવવુ હોય તો તે કહે તેમ કરવાનુ અને મોબાઇલ નંબરનાં ઓટીપી આવે તે બધા આપવા પડશે જેથી યુવાને હા કહેતા ગઠીયાએ અલગ અલગ સમયે પ્રોસેસ કરી પાંચ જેટલા ઓટીપી મેળવી લીધા હતા. અને છેલ્લે આ ગઠીયાએ ક્રેડીટ કાર્ડ એકટીવ કરવાની અરજી પ્રોસેસ બાકી છે અને તમારો ફોન ચાલુ રાખજો તેમ કહી અમુક પ્રોસેસ કરી હતી . ત્યારબાદ આરોપીએ તમારુ કાર્ડ ર4 કલાકમા એકટીવ થઇ જશે તેવુ જણાવ્યુ હતુ.
ત્યારબાદ 29-7 નાં રોજ એચડીએફસી બેંકમાથી કોલ આવ્યો હતો કે તમારા ક્રેડીટ કાર્ડનો ઉપયોગ થયો છે જેમાથી 1.16 લાખ રૂપીયા વપરાયા છે . જે બીલ ભરી દેજો. જેથી ફરીયાદી ધ્રુવ ભાઇએ કહયુ કે તેઓએ ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કર્યો નથી ત્યારબાદ ફરીયાદી ધ્રુવ ભાઇને માલુમ પડયુ કે થોડા દીવસ પહેલા આવેલો બેંક કર્મચારીનો કોલ ખરેખર બેંક કર્મચારીનો કોલ ન હતો પરંતુ કોઇ ગઠીયાનો કોલ હતો. ત્યારબાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પહોંચી ફરીયાદ નોંધાવતા પીઆઇ એસ આર મેઘાણી સહીતનાં સ્ટાફે તપાસ શરુ કરી છે.
