શેરબજારમાં અનેક લોકો સાથે લાખોની છેતરપિંડી કરનાર ગઠિયાને રાજકોટથી ઉપાડી જતી મુંબઈ પોલીસ
મુંબઈમાં અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરવાના ગુનામાં છેલ્લા છ માસથી વોન્ટેડ ચીટરે રાજકોટમાં આશરો મેળવ્યાની માહિતીના આધારે મુંબઈ પોલીસે રાજકોટ ક્રાઈમ બ્રાંચની મદદથી આ ચીટરને પકડવા માટે સંયુકત ઓપરેશન હાથ ધર્યુ હતું અને આ ચીટરને માધાપર ચોકડી પાસેથી ઝડપી લઈ તેને મુંબઈ ઉઠાવી જવાયો છે. રાજકોટમાં આશરો મેળવનાર આ ગઠીયાએ મુંબઈ ઉપરાંત ગુજરાતમાં પણ કેટલાક લોકો સાથે છેતરપીંડી કર્યાની શંકાએ મુંબઈ પોલીસે આ બાબતે વધુ તપાસ શરૂ કરી છે.
મુંબઈના બાંદ્રા વિસ્તારમાં અગાઉ રહેતા અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રનાં કેટલાક લોકોને શેરબજારમાં રોકાણ કરવાના નામે મોટુ વળતર આપવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી કરનાર જીગ્નેશ શાહ નામના ચીટર સામે મુંબઈનાં બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
છેલ્લા છ મહિનાથી આ ચીટર જીગ્નેશ મુંબઈથી ફરાર થઈ ગયો હતો અને તેણે અગાઉ સુરત અને વલસાડ પંથકમાં આશરો મેળવ્યા બાદ છેલ્લા ત્રણ મહિનાથી રાજકોટના માધાપર ચોકડી પાસે આવેલ દ્વારકા હાઈટસમાં ફલેટ ભાડે રાખીને આશરો મેળવ્યો હતો. આશરે અડધા કરોડની છેતરપીંડી કરનાર આ ગઠીયો રાજકોટમાં હોવાની માહિતી બાંદ્રા પોલીસને મળી હતી. જેના આધારે બાંદ્રા પોલીસની એક ટીમ રાજકોટ આવી હતી અને પોલીસ કમિશ્નરને મળ્યા બાદ આ ગઠીયાને પકડવા માટે ક્રાઈમ બ્રાંચની મદદ માંગી હતી. રાજકોટ ક્રાઈમ બ્રાંચની એક ટીમ મુંબઈ પોલીસ સાથે રહીને જીગ્નેશ શાહને પકડવા માટે સંયુકત ઓપરેશન હાથ ધર્યુ હતું અને માધાપર ચોકડી પાસે દ્વારકા હાઈટસમાં દરોડો પાડી ગઠીયાને ઝડપી લીધો હતો.
આમ રાજકોટ ક્રાઈમ બ્રાંચ અને બાંદ્રા પોલીસે ચીટર જીગ્નેશ શાહની ધરપકડ કર્યા બાદ તેને મુંબઈ પુછપરછ માટે લઈ જવાયો છે. જીગ્નેશ શાહે ગુજરાતમાં પણ કેટલાક લોકો સાથે શેરબજારમાં ઉચા વળતરની લાલચ આપી છેતરપીંડી કર્યાની શંકાએ મુંબઈ પોલીસે તેની રિમાન્ડ મેળવી વિશેષ પુછપરછ કરવા તજવીજ હાથ ધરી છે.