સાંસદ વિનોદ ચાવડાના નામે ગઠિયાએ કોલ કરી ગણેશ સ્થાપના માટે 15 હજાર પડાવ્યા
શહેરમાં વરસામેડીના એક આધેડને હું સાંસદ વિનોદ ચાવડા બોલું છું, ગણપતિ સ્થાપના માટે રૂૂા. 15,000 મોકલો તેમ કહી ઠગબાજે પંદર હજાર પડાવી લીધા હતા.
જો કે, પોલીસે દોડધામ આચરીને અમદાવાદના આ શખ્સને પકડી પાડયો હતો. વરસામેડીની રીવેરા એલિગેન્સમાં રહી ખાનગી નોકરી કરનાર ફરિયાદી મોહિત વિદ્યપ્રકાશ પ્રભાકર નામના આધેડ ગત તા. 23/8ના સાંજના ભાગે ગાંધીધામમાં હતા, ત્યારે તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને હું એમ.પી. વિનોદ ચાવડા બોલું છું, ગણપતિની સ્થાપના માટે રૂૂા. 15,000 મોકલો.
હું તમને બેંક ખાતાં નંબર મોકલું છું, તેવું કહેતાં ફરિયાદીએ સારું કંઈ વાંધો નહીં ખાતાં નંબર મોકલો તેમ કહેતાં આરોપીએ તેમના વોટ્સએપ ઉપર ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ખાતાં નંબર મોકલાવ્યા હતા અને પૈસા તેમાં મોકલવાનું કહેતાં ફરિયાદીએ રૂૂા. 15,000 મોકલી આપ્યા હતા.
બાદમાં ફરિયાદીને શંકા જતાં તેમણે ખરાઈ કરતાં આ નંબર સાંસદ વિનોદ ચાવડાના ન હોવાનું, પરંતુ અમદાવાદના રિતેશ જોશીના હોવાનું બહાર આવ્યું હતું. આ ઠગબાજને પોલીસે પકડી પાડયો હોવાનું બહાર આવતાં ફરિયાદીએ પોલીસ મથકે ગઈકાલે રાત્રે ફરિયાદ નોંધાવી હતી. સાંસદનાં નામે રૂૂપિયા પડાવવાનો કીમિયો બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી હતી.