ગઠિયાએ બેંક કર્મચારીના નામે ફિશિંગ લિંક મોકલી બિલ્ડર સાથે 5.62 લાખની ઠગાઇ કરી
વ્હોટસએપ કોલ કરી ગઠિયો આધારકાર્ડના નંબર બોલતા બિલ્ડર જાળમાં ફસાયા: બેંકે તપાસ કરતા જાણવા મળ્યુ કે ગઠીયાએ અલગ-અલગ ચાર ટ્રાન્ઝેકશનથી પૈસા ઉપાડી લીધા હતા
શહેરનાં ગોંડલ રોડ પર દોશી હોસ્પીટલ નજીક રહેતા બિલ્ડરને ગઠીયાએ ફિશિંગ લીંક મોકલી બેંક કર્મચારીની ઓળખ આપી અને બાદમા કેવાયસી અપડેટ કરાવવાનાં બહાને ઓટીપી મેળવી પ.6ર લાખની ઠગાઇ કરતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવી છે. આ ઘટનામા વ્હોટસએપ નંબરનાં આધારે પોલીસે તપાસ શરુ કરી છે. વધુ વિગતો મુજબ દોશી હોસ્પીટલની સામે શ્રી હરી કૃપા મકાનમા રહેતા કેતન પ્રવિણભાઇ ખોલીયા (ઉ.વ. 48) એ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ પરીવાર સાથે રહે છે અને મકાન બાંધકામનાં વ્યવસાય સાથે જોડાયેલા છે. તા. ર0-2-25 નાં રોજ સવારનાં સમયે વોટસએપ નંબર પરથી એક લીંક આવી હતી.
ત્યારબાદ વોટસએપ કોલ આવ્યો હતો અને આ સમયે બિલ્ડરે કોલ રીસીવ કરતા સામાવાળા વ્યકિત પોતે આઇસીઆઇસીઆઇ બેંકમા કર્મચારી હોવાની ઓળખ આપી હતી અને કેવાયસી અપડેટ કરાવવાનુ કહી જો તમે અપડેટ નહી કરો તો ખાતુ બંધ થઇ જશે. તેવુ જણાવ્યુ હતુ અને બાદમા તેમણે આધાર કાર્ડ નંબર બોલતા બિલ્ડરને તેનાં પર વિશ્ર્વાસ આવી ગયો હતો.
ત્યારબાદ તેમને મોકલેલી લીંક ઓપન કરવાનુ કહેતા તે લીંક ઓપન કરતા તેમાથી આઇસીઆઇસીઆઇ બેંકનુ પેજ ખુલ્યુ હતુ . તેમજ આ પેજ પર ડેબીટ કાર્ડનાં નંબર નાખવાનુ કહી મોબાઇલ દ્વારા ગઠીયાએ ઓટીપી મેળવી લીધા હતા અને થોડીવાર બાદ ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ બીલ્ડરને શંકા જતા બેંકે પહોંચ્યા હતા અને ત્યા જાણવા મળ્યુ હતુ કે 20-2-25 નાં રોજ અલગ અલગ પાંચ ટ્રાન્ઝેકશન જેની કુલ રકમ રૂ. પ.6ર લાખ ઉપડી ગયાનુ જાણવા મળતા તેઓએ તુરંત સાયબર હેલ્પ લાઇન નંબર 1930 પર કોલ કર્યો હતો અને જેને આધારે રાજકોટ સાયબર સેલ પોલીસ મથકમા ફરીયાદ નોંધાઇ હતી.