રાજકોટમાં ફરી ગેંગવોર, પેંડા ગેંગના સાગરિત ઉપર ફાયરિંગ
મકરસંક્રાંતિએ થયેલી માથાકુટમાં પાંચ દિવસ પૂર્વે જામીન મુક્ત થયેલ શખ્સ ઉપર બદલો લેવા ગોળીબાર કર્યો
પેંડા ગેંગ અને જંગલેશ્ર્વરની ટોળકી વચ્ચેની માથાકૂટ ચરમ સીમાએ, પોલીસની ઢીલી નીતિથી ગુનેગારો બેફામ
રાજકોટમાં છેલ્લા ઘણા દિવસથી ગુનાખોરીએ માજા મુકી છે. શાંત ગણાતા રંગીલા રાજકોટમાં ગુનેગારોબેફામ બન્યા છે. જેનું એક કારણ પોલીસની ગુનેગારો સામેની કાર્યવાહી કરવામાં નિશ્ક્રીયતા હોાવનું ચર્ચાઈ રહ્યું છે. રાજકોટમાં અગાઉ ગેંગવોર થતી હતી જે શાંત થઈ ગયા બાદ ફરી વખત રાજકોટમાં ગેંગવોરે માથુ ઉચક્યુ છે.
પોલીસમેનની હત્યા સહિતના ગુનામાં સંડોવાયેલા અને નામચીન પેંડા ગેંગના સાગરીત રાજુ ગઢવી ઉપર તેનાજ ઘર પાસે પુનિત નગર નજીક જંગલેશ્ર્વરની ટોળકીએ ફાયરીંગ કરતા પરેશને ઈજા થાત્તાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા સહિતના અધિકારીઓ સવારે ઘટના સ્થળે દોડી ગયા હતાં અને ફાયરીંગ કરનાર જંગલેશ્ર્વરની ગેંગના શખ્સોને શોધવા ક્રાઈમ બ્રાંચ, એસઓજી, એલસીબી અને માલવિયાનગર પોલીસની 10થી વધુ ટીમોને કામે લગાડી છે.
સમગ્રબનાવની મળતી વિગતો મુજબ રાજકોટના પુનિત નગર શેરી નં. 16માં રહેતા પરેશ રાજુ ગડવી ઉ.વ.23 વહેલી સવારે 5:30 વાગ્યે પોતાના ઘર પાસે મામાદેવના મંદિર પાસે હતો ત્યારે સફેદ રંગની વરના કારમાં આવેલા જંગલેશ્ર્વરના તૌશીષ અહમદ સમા અને સોહેલ અબ્દુલ સમા તેમજ કારમાં બેઠેલા અન્ય બે શખ્સો પરેશ પાસે આવ્યા હતાં. અને પરેશ કશુ સમજે તે પૂર્વે જ કારમાંથી ફાયરીંગ કરતા તેના ડાબા પગમાં ગોળી ઘુસી ગઈ હતી. ફાયરીંગ કરીને આ શખ્સો કારમાં ફરાર થઈ ગયા હતાં.
ઈજાગ્રસ્ત પરેસને સારવાર અર્થે સિવિલ હોિસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં ડીસીપી ઝોન-2 સજ્જનસિંહ પરમાર હોસ્પિટલે દોડી આવ્યા હતા અને આ અંગે સમગ્ર હકિકત પરેશ પાસેથી જાણી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાંથી જાણવા મળતી માહિતી મુજબ અગાઉ 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતના રોજ ગોકુલધામ નજીક માથાકુટ થઈ હતી જેમાં સોહેલના મામા સાથે પરેશે ઝઘડો કર્યો હતો. અને આ અંગે યુવતિ બાબતે થયેલી માથાકુટમાં એટ્રોસીટી હેઠળ પરેશ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જેમાં પરેશને પાંચ દિવસ પૂર્વેજ જામીન મળતા જેલમુક્ત થયો હોય અને આજે વહેલી સવારે તે ઘર પાસે હતો ત્યારે જંગલેશ્ર્વરની ગેંગે બદલો લેવા માટે પરેશ ઉપર ફાયરીંગ કર્યુ હતું.
બનાવની જાણ થતાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા તેમજ ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ સહિતના પોલીસ અધિકારીઓ પુનિત નગર ખાતે જ્યાં બનાવ બન્યો તે સ્થળે વિઝિટ અર્થે દોડી ગયા હતાં રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી શાંત પડેલ ગેંગવોરે ફરી માથુ ઉચક્યું હોય જે પોલીસ માટે પણ સરમજનક બાબત કહી શકાય અત્યાર સુધીમાં ગેંગવોરમાં હત્યા સહિતના બનાવો બન્યા હોય જેમાં જે તે વખતે પોલીસે આ પેંડા ગેંગનો નામોનીશાન મીટાવી દીધો હતો. પરંતુ છેલ્લા ઘણા વખતથી પોલીસની ગુનેગારો સામેની કુણી નીતિના કારણે ગુનેગારો હવે બેફામ બન્યા છે અને હવે પેંડા ગેંગ અને જંગલેશ્ર્વરની ટોળકી વચ્ચેની માથાકુટ ચરમસીમાએ પહોંચી છે જેમાં જ એ ફાયરીંગનો બનાવ બન્યો છે. ઈજાગ્રસ્ત પરેશ બે ભાઈ અને એક બહેનમાં બીજા નંબરનો છે. તેની થોડા વખત પૂર્વે જ સગાઈ થઈ હતી.
જંગલેશ્ર્વરની ગેંગને પકડવા 10 ટીમો કામે લાગી
પેંડા ગેંગના સાગરીત અને પાંચ દિવસ પૂર્વે જેલમાંથી છુટેલા પરેશ ગઢવી ઉપર જંગલેશ્ર્વરના તૌફીક અને સોહિલ સહિતની ટોળકીએ ફાયરીંગ કર્યાના બનાવ બાદ પોલીસ સફાળી જાગી ઉઠી છે. અને આ જંગલેશ્ર્વરની ગેંગને પકડવા માટે રાજકોટ પોલીસની ક્રાઈમ બ્રાંચ ઉપરાંત એસઓજી, એલસીબી અને માલવિયાનગર પોલીસની 10થી વધુ ટીમે કામે લાગી છે. અને જંગલેશ્ર્વરના તૌસીફ અને સોહેલ સાથે નજીકનો સબંધ ધરાવતા અને તેના આશ્રય સ્થાનો ઉપર પોલીસે દરોડા પાડ્યા હતાં જો કે, હજુ સુધી કંઈ પોલીસના હાથ લાગ્યું ન હતું.