કર્ણાટક ભાજપના ધારાસભ્ય સામે સામૂહિક બળાત્કારની ફરિયાદ
કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય મુનિરાત્ના સામે એક 40 વર્ષીય મહિલા પાર્ટી કાર્યકરે ચોંકાવનારા અને ભયાનક આરોપો સાથે FIR દાખલ કરી છે. મહિલાએ આક્ષેપ કર્યો છે કે, તેને સામૂહિક બળાત્કારનો ભોગ બનાવવામાં આવી, તેના ચહેરા પર પેશાબ કરવામાં આવ્યો અને ધારાસભ્ય દ્વારા એક જીવલેણ વાયરસનું ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું હતું. આ ઘટનાએ રાજકીય વર્તુળો અને સામાન્ય જનતામાં ખળભળાટ મચાવ્યો છે.
આ FIR બેંગલુરુના RMC યાર્ડ પોલીસ સ્ટેશનમાં મંગળવારે નોંધવામાં આવી હતી. FIR મુજબ, આ ઘટના 11 જૂન, 2023 ના રોજ ધારાસભ્ય મુનિરાત્નાની માથિકેરે સ્થિત ઓફિસમાં બની હતી. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, તેને ધારાસભ્યના સાથીદારો દ્વારા ઓફિસમાં લઈ જવામાં આવી હતી. ફરિયાદમાં ત્રણ આરોપીઓના નામ આપવામાં આવ્યા છે, જ્યારે ચોથા આરોપીની ઓળખ હજુ અજ્ઞાત છે.
મહિલાએ તેના દાવામાં જણાવ્યું છે કે, ધારાસભ્ય મુનિરાત્ના અને તેના બે સાથીદારોએ વારંવાર વિનંતીઓ કરવા છતાં તેને નગ્ન થવા માટે મજબૂર કરી હતી અને જો તે આદેશનું પાલન નહીં કરે તો તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાનો વધુ ગંભીર આરોપ છે કે, જ્યારે તેની પર જાતીય હુમલો કરવામાં આવી રહ્યો હતો, ત્યારે ભાજપના ધારાસભ્યએ તેના ચહેરા પર પેશાબ કર્યો હતો.
વધુમાં, પીડિતાએ આક્ષેપ કર્યો છે કે, મુનિરાત્નાએ તેના સાથીદારો દ્વારા આપવામાં આવેલી સિરીંજ વડે તેને અજાણ્યો પદાર્થ (સબસ્ટન્સ) ઇન્જેક્ટ કર્યો હતો. FIR માં જણાવાયું છે કે, ભાજપના નેતાએ જો તે આ હુમલાનો ખુલાસો કોઈને કરશે તો તેને કે તેના પરિવારને છોડવામાં નહીં આવે તેવી ધમકી પણ આપી હતી. મહિલાએ જણાવ્યું છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં તેને અસાધ્ય રોગ હોવાનું નિદાન થયા બાદ તેને શંકા છે કે ધારાસભ્યે તેને વાયરસ ઇન્જેક્ટ કર્યો હોઈ શકે છે.