સૌરાષ્ટ્રમાં મુસાફરોને શિકાર બનાવતી ટોળકી ઝડપાઈ
રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલ ચોરીના ભેદ ખુલ્યા, બે મહિલા સહિત ચારની ધરપકડ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં મુસાફરોને વાહનમાં બેસાડીને ચોરી કરતી ટોળકીને ગોંડલ પોલીસે ઝડપી પાડી અનેક ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે. આ ટોળકીએ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં મુસાફરોના રોકડ અને દાગીના ચોરી લીધા હોય તેમની પાસેથી રૂપિયા 3 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ રાજકોટ પંથકમાં છેલ્લા ઘણા વખતથી મુસાફરોને રિક્ષા અને ઈકો વાહનમાં બેસાડી ચોરી કરતી ટોળકીસક્રિય થઈ હોય જેને ગોંડલ પોલીસે બાતમીના આધારે ઝડપી લીધી હતી. આ ટોળકીના સભ્યો વિરમગામના વતની અને હાલ શાપર-વેરાવળ રહેતા પ્રકાશ સોમા વાઘેલા, રાજકોટના કોઠારિયા સોલવન્ટ પાસે રહેતો ઈરફાન તૈયબ ઓઠા, કુબલિયાપરાની જશુબેન મહેશભાઈ મકવાણા અને રેખાબેન દિલુભાઈ મકવાણાની ધરપકડ કરી હતી. પુછપરછમાં જાણવા મળ્યું કે, આ ટોળકીએ રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં રિક્ષા અને ઈકો વાહનમાં મુસાફરોને બેસાડી ઉલ્ટી-ઉબ્કાના બહાને ધક્કામુક્કી કરી પેસેન્જર પાસેથી રોકડ અને દાગીના ચોરી લેતા હતાં.
આ ટોળકીએ છ જેટલા ગુનાને અંજામ આપ્યો હોય જેમાં સુરેન્દ્રનગરના ડોળિયા બાઉન્ટ્રી પાસે, મોરબીના માળિયા પાસે, રાજકોટના બેડી ચોકડી પાસે, સુરેન્દ્રનગરના ચોટીલા પાસે અને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે મુસાફરોને શિકાર બનાવ્યા હતાં. જિલ્લા પોલીસવડા હિમકરસિંહની સુચનાથી ગોંડલ બીડીવીઝન પોલીસ મથકના પીઆઈ જે.પી. ગોસાઈ સાથેની ટીમે કામગીરી કરી હતી.
રોજ 200થી 300 કિલોમીટર ફરી મુસાફરોને શિકાર બનાવતા
આ ટોળકી રાજકોટ-સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં મુસાફરોને ઈકો કાર કે, રિક્ષામાં બેસાડીને શિકાર બનાવતી હોય શાપર-વેરાવળથી રોજ વહેલી સવારે ઈકો કે રિક્ષા લઈને અલગ અલગ જગ્યાએ શિકાર માટે નિકળતી હતી. રાજકોટ, અમરેલી, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં દરરોજ 200થી 300 કિલોમીટરનો પ્રવાસ કરીને અલગ અલગ પેસેન્જરોને ટાર્ગેટ કરી ચોરી કરતી હોવાનું જાણવા મળ્યું છે.