રાજ્યમાં 33 કરોડનું સાયબર ફ્રોડ કરનાર ટોળકી ઝડપાઈ
બોગસ પેઢી અને લોકોના નામે ખોલાવેલા બોગસ બેન્ક ખાતા ભાડે મેળવીને સાયબર ફ્રોડના નાણાં મેળવનારી ગેંગના તમામ સભ્યોની પોલીસે ધરપકડ કરી છે. જોકે, આ ગેંગની તપાસમાં નાણાં હવાલા મારફતે દુબઇ મોકલાતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપીઓ અજ્ઞાતસ્થળે કોલ સેન્ટર ચલાવતા હતા અને કુલ 61 જેટલા ડમી એકાઉન્ટ ખોલાવ્યા હોવાનો ખુલાસો થયો છે. સાથે સાથે આરોપીઓએ 50 કરોડના ટ્રાન્ઝેક્શન આ ખાતામાંથી કર્યા હતા. બીજીબાજુ અનેક સાયબર ફ્રોડની નોંધાયેલી અરજીઓમાંથી 36 અરજીના ભોગ બનનારના કુલ 33 કરોડ આ ખાતાઓમાં જમા થયા હોવાનું સામે આવ્યું છે.
એલિસબ્રિજ વિસ્તારમાંથી ચિરાગ કડીયા, સ્નેહલ સોલંકી, મુકેશ દૈયા અને ગોપાલ પ્રજાપતિની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ અજ્ઞાતસ્થળે કોલ સેન્ટર ચલાવતા હતા. શેરબજાર અને ગોલ્ડમાં રોકાણ કરવાના બહાને લોકો પાસે નાણાં પડાવીને છેતરપિંડી આચરતા હતા. આરોપીઓ બોગસ પેઢીના નામે ખોલાવેલા બેન્ક ખાતા ભાડે મેળવીને ફ્રોડના નાણાં મેળવતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 53 ચેકબુક, 42 ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ, 29 સીમકાર્ડ કવર, 15 ક્યુઆર કોડ, 3 સ્વાઇપ મશીન કબજે કરી તપાસ કરતા અનેક ખુલાસા થયા છે. આરોપીઓએ હાલ સુધી કુલ 61 ડમી એકાઉન્ટ ખોલાવીને સાયબર ફ્રોડના 50 કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું છે. રાજ્યમાં નોંધાયેલી ફ્રોડની કુલ અરજીઓમાંથી 36 અરજીના ભોગ બનનારા લોકોના 33 કરોડ આ ખાતાઓમાં જમા થયા છે. આરોપીઓ બોગસ એકાઉન્ટોમાં નાણાં જમા કરાવીને ચેક કે એટીએમ દ્વારા રકમ વિડ્રો કરીને આંગડિયા મારફતે દુબઇ હવાલા પડાવતા હતા. દુબઇમાં બેઠેલો જૈમિન ઉર્ફે સેમ ઠક્કર આ નાણાં મેળવી લેતો હતો.ભોગ બનનાર લોકો ફ્રોડ બાબતે ફરિયાદ કે અરજી કરે તો આરોપીઓ તેમનો સંપર્ક કરતા હતા. ફ્રોડના પૈસા પરત આપીને ફરિયાદ પરત લેવાનું કહીને એકાઉન્ટ અનફ્રીઝ કરાવતા હતા.