હોસ્ટેલને ટાર્ગેટ કરી મોબાઇલ સહિતની ચીજવસ્તુની ચોરી કરતી બેલડી પકડાઇ
અઠવાડીયામાં 11 મોબાઇલ સહિત 4 લાખના મુદામાલની ચોરી કરી: કાલવાડ રોડ અને યુનિ.રોડ પર અનેક જગ્યાને નિશાન બનાવી, તામીલનાડુના બે શખ્સ પકડાયા
રાજકોટમાં પીજી, હોસ્ટેલ સહિતના મકાનોને ટાર્ગેટ કરી મોબાઈલ ચોરી કરતી તામિલનાડુની બેલડીને એ.ડિવિઝન પોલીસે પકડી પાડી આશરે ચારેક લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.સરદાર મેઈન રોડ પર ગોલ્ડ એપાર્ટમેન્ટમાંથી, યુની.રોડ અક્ષરભવન, નિરાલી રિસોર્ટ પાસેના ક્વાર્ટર અને ગીરીરાજ હોસ્પિટલની હોસ્ટેલમાંથી કુલ રૂૂ.3.70 લાખનો મુદામાલ ચોરી કર્યાની કબૂલાત આપી છે. સરદાર મેઈન રોડ પર મહાવીર સુપર માર્કેટની સામે સિલ્વર ગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતાં ખુશમીતભાઈ મનોજકુમાર બારાઈ (ઉવ.23) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અહીં દોઢેક વર્ષથી રહે છે અને ગિરીરાજ હોસ્પીટલમા આઈટી હેડ તરીકે નોકરી કરે છે. તેમની માતા શિક્ષિકા તરીકે નોકરી કરે છે.ગઇ તા.10 ના સવારના તે ઘરે સુતો હતો અને માતા સ્કુલમાં નોકરીએ જવા નીકળેલ ત્યારે તેમને જગાડી અને કહેલ કે ઘરનો ફોન અહી તારા રૂૂમમાં ચાર્જીંગમાં મુકુ છુ કહી ઘરના દરવાજાને લોક કર્યા વગર નોકરી પર જવા નીકળી ગયેલ અને ત્યારે તેમના અલગ અલગ કંપનીના એક લાખની કિંમતના ત્રણેય ફોન ચાર્જીંગમાં મુકીને ગયા હતા, તે ત્રણ ફોન તથા રૂૂ.20 હજારની સોનાની વીંટી નંગ એક તેમજ એક રૂૂ.2 હજારના એર બર્ડ, રૂૂ.15 હજારની આઈ વોચ તે રૂૂમમાં પડયા હતા.ત્યારબાદ તે સવારના જોયું તો આ બધું કોઇ અજાણ્યો ચોર ઘરમાં પ્રવેશી રૂૂ.1.37 લાખના મુદામાલની ચોરી કરી કરી ભાગી જતા ફરીયાદ નોંધાવી હતી.
આ બનાવ મામલે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ બી.વી.બોરીસાગરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.એન.રાણા અને ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી બાતમીના આધારે તામિલનાડુના વેલુર પંથકના બે શખ્સોને પકડી પાડી ચારેક લાખના ચોરેલા મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે જણાવ્યું હતું કે, બંને શખ્સો ચોરીના ધંધા સાથે જોડાયેલ છે. અઠવાડિયા પહેલા તામિલનાડુથી નીકળી સીધા તેઓ રાજકોટ આવ્યા હતા અને અહીં એક મકાન ભાડે રાખી વહેલી સવારે શહેરભરમાં નીકળી પીજી અને હોસ્ટેલ સહિતના મકાનોને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપતા હતા.
જેમાં પોલીસે યુનિવર્સિટી પોલીસ મથકમાં વિસ્તારમાં આવેલ ભગતસિંહ ગાર્ડનની સામે અક્ષરભવનમાંથી થયેલ ત્રણ મોબાઇલની ચોરી તેમજ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલ નિરાલી રિસોર્ટ પાસે ટેલિફોનિક ટાવરની બાજુમાં બે માળિયા રો હાઉસમાંથી રૂૂ.1.40 લાખના મોબાઈલની ચોરી તેમજ જગન્નાથ ચોક ગીરીરાજ હોસ્પિટલની હોસ્ટેલમાથી રૂૂ.52 હજારના મોબાઈલની ચોરી કર્યાની ફરીયાદ નોંધાવી હતી.