ઇકોમાં બેસાડી ચોરી કરતી ગેંગ પકડાઇ: સૌરાષ્ટ્રના 13 ગુનાની કબૂલાત
રાજકોટ, મોરબી, ધ્રોલ, જેતપુર અને વીરપુરમાં મુસાફરોને નિશાન બનાવ્યા : ઇકો કાર અને રોકડ જપ્ત
ત્રણ શખ્સોની શોધખોળ: રાજકોટમાં કોઇને નિશાન બનાવે તે પહેલા જ આજીડેમ પોલીસે ટોળકીને પકડી
ઈકો કારમાં લોકોને પેસેન્જર તરીકે બેસાડી ખીસ્સામાંથી રૂૂપિયાની ચોરી કરી લેતી ગેંગના બે શખ્સોને આજીડેમ પોલીસે ઝડપી કાર અને રોકડ સહિત રૂૂા.3.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પુછપરછમાં આરોપીઓએ સૌરાષ્ટ્રભરમાં 13 ગુના એચર્યા હોવાની કબુલાત આપતા વધુ પુછપરછ હાથ ધરાઈ છે.
જસદણના કનેસરા ગામે રહેતાં પ્રેમજીભાઈ જાદવ તેમના પત્ની મંજુબેન સાથે સરધાર જવા આજી ડેમ ચોકડીએથી ઈકો કાર કે જેમાં ચાલક સાથે ચાર અજાણ્યા શખ્સો બેઠેલા હતા. તે કારમાં બેસી રવાના થયા હતા. આ સમયે અજાણ્યા શખ્સોએ તેની નજર ચુકવી ખીસ્સામાંથી રૂૂા.40 હજારની રોકડ કાઢી લીધી હતી. બાદમાં દંપતીને કારમાં ગીરદી હોવાથી નીચે ઉતારી નીકળી ગયા હતા. થોડા આગળ ગયા બાદ આરોપીઓ ફરી પરત આવીને પ્રેમજીભાઈને કારમાં તમારા રૂૂપિયા પડી ગયા હતા તેમ કહી 19 હજાર પરત આપી રૂૂા.21 હજારની ચોરી કરી ભાગી ગયા હતા.
જે અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પીઆઇ એ.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ જે.જી.રાણા, એએસઆઈ રવિભાઈ વાંક, હારુનભાઈ ચાનીયા,હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા,દિગપાલસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે આજીડેમ ચોકડી પાસેથી પ્રવીણ ઉર્ફે માસ ભીખાભાઈ વાઘેલા (ઉ.વ.32, રહે. કાંગશીયાળી, તા.લોધીકા) અને કૃપાલ ભનુભાઈ જાદવ (ઉ.વ.25, રહે. વિશ્વસિટી એપાર્ટમેન્ટ, શાપર, મૂળ રામપરા, તા. ગઢડા)ને પકડી રોકડ અને ઈકો કબજે કરી ફરાર પ્રકાશ ઉર્ફે પકો, નિશાંત ઉર્ફે મુનો અને સાગર નામના શખ્સોની શોધખોળ શરૂૂ કરી છે. પોલીસે જણાવ્યું કે આરોપી પ્રવીણ અગાઉદારૂૂ અને ચોરી સહિત ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.
આરોપીઓ શાપરથી રોજ વહેલી સવારે ઈકો કાર લઈ અલગ-અલગ જિલ્લા રાજકોટ, અમરેલી, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર મળી રોજ 300 - 400 કી.મી. ફરી અલગ-અલગ પેસેન્જરોને ટાર્ગેટ કરી તેને કારમાં બેસાડી, ધક્કામુકકી કરી, નજર ચુકવી, પૈસા સેરવી લેતા હતા. બાદમાં થોડા આગળ જઈ પેસેન્જરને ઉતારી દઈ, ચોરી કરી ભાગી જતાં હતા.આરોપી કૃપાલે પુછપરછમાં એવી કેફિયત આપી હતી કે, તે ઉપરાંત સાગર, પ્રકાશ ઉર્ફે પકો અને નિશાંત ઉર્ફે મુન્નો શાપરથી કાર લઈ નીકળી જઈ પેસેન્જરને બેસાડી રકમ સેરવી લેતા હતા.છેલ્લા 20 દિવસમાં 13 જેટલી ચોરી કરી હતી.જેમાં શાપરથી ગોંડલ ચોકડી વચ્ચે મુસાફરને બેસાડી 20 હજાર કાઢી લઈ દસ હજાર પરત આપી દીધા હતા. આમ પકડાયેલા બંને આરોપીઓએ કબુલાતમા 13 ગુના આચર્યા હોવાનુ પોલીસ સમક્ષ નીવેદન આપ્યુ હતુ.