જીજ્ઞેશ દાદાની કથામાં ચીલઝડપ કરનાર ટોળકી ઝડપાઇ
ભુપેન્દ્ર રોડ પર આવેલા સ્વામીનારાયણ મુખ્ય મંદિરમાં આયોજીત જીગ્નેશ દાદાની ભાગવત સપ્તાહમાં ગયેલા સુરતનાં હેમીબેન રાઘવભાઈ નકુમના ગળામાંથી અજાણ્યો શખ્સ રૂા.80 હજારની કિંમતનું સોનાનો ચોઈન ચોરી ગયાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.આ ઘટનામાં પોલીસે ત્રણ મહિલા સહિત ચાર વ્યક્તિને ઝડપી લઇ એક મંગળસૂત્ર અને એક સોનાનો ચેન એમ કુલ રૂૂપિયા 3.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે શિક્ષક મહેશભાઈ પંચાભાઈ ડોલર (ઉ.વ.24, રહે, ઈન્દ્રસ્થ સોસયટી, મોરબી રોડ)ની ફરીયાદ પરથી એ.ડીવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો.મહેશભાઈએ પોલીસને જણાવ્યું કે, તેની કૌટુંબીક બહેન મનીષાબેન અને તેના સાસરીયાઓ સુરત રહે છે. ભુપેન્દ્રરોડ પર સ્થિત સ્વામીનારાયણ મુખ્યમંદિર બોરડીવાળુમાં આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ ખાતે તે બધા ગયા હતાં. કથાનો પાંચમો દિવસ હોય વકતા જીજ્ઞેશ દાદા કથા વિરામ બાદ જતા હતા તે સમયે મંદિરના પટાંગણમાં તેમના માટે લોકો એકઠા થયા હતાં. ભીડ ઓછી થતા તેને જાણવા મળ્યું હતું કે, કથામાં સુરતથી આવેલા તેના મોટા બાપુની પુત્રી મનીષાબેનના સાસુ હેમીબેન નકુમ કથા વકતાની કાર પાસે ગયા હતાં. ત્યારે ભીડનો લાભ લઈ અજાણ્યો શખ્સ તેના ગળામાંથી સોનાનો ચેઈન ચોરી લીધો હતો.
આ ઘટનામાં એ ડિવિઝન પોલીસના પીઆઇ આર.જી.બારોટ,પીએસઆઈ રાણા,કલ્પેશભાઈ બોરીચા અને મહેશભાઈ ચાવડા સહિતના સ્ટાફે બાતમીના આધારે પેલેસ રોડ પાસેથી ત્રણ મહીલા તથા એક પુરૂૂષ જોવામાં આવતા તેને પકડી તેની પાસે રહેલ થેલીમાં જોતા થેલીમાંથી સોનાના દાગીના જેમા એક સોનાનો ચેઇન તથા સોનાનુ મંગળસુત્ર મળી આવેલ હોય જે અંગે તેઓની પુછપરછ કરી બીલ માંગતા તેની પાસે બીલ ન હોવાનુ જણાવેલ અને કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય અને આરોપી પાસે રહેલ સોનાનો ચેઇન તથા સોનાનુ મંગળસુત્ર બાબતે યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા સોનાનો ચેઇન તથા સોનાનુ મંગળસુત્ર ત્રણ દિવસ પહેલા ભુપેન્દ્ર રોડ ઉપર આવેલ સ્વામીનારાયણ મંદિરના ગેઇટ પાસે બપોરે પ્રસાદીના સમયે માણસોની ભીડ હતી તે દરમ્યાન મંદિરે દર્શન કરવા આવેલ દર્શનાર્થી બે અલગ અલગ મહીલાઓએ ગળામા પહેરેલ સોનાનો ચેઇન તથા મંગળસુત્ર નજર ચુકવી ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી.આરોપીઓ પાસેથી એક ચેઇન અને મંગલસૂત્ર સહિત રૂૂ.3.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આરોપીઓમાં કમલેશ સામે અગાઉ મહેમદાવાદમાં હત્યા,મંજુબેન સામે પ્રોહી. અને લક્ષ્મીબેન સામે અગાઉ પાંચ ચિલઝડપ અને એક વખત પાસા થઈ છે.