નાનાભાઈના ખિસ્સામાંથી મિત્રએ 400 રૂપિયા કાઢી લીધા : મોટાભાઈએ પરત માગતા હુમલો
શહેરમાં શિવાજી નગરમાં રહેતા યુવાને નાનાભાઈના ખિસ્સામાંથી 400 રૂપિયા કાઢી લેનાર મિત્ર પાસે રૂપિયા પરત માંગતા મિત્રોએ ઝઘડો કરી માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શિવાજીનગર-7માં નવા પાવરહાઉસ પાસે રહેતા હરેશ મોહનભાઈ પરમાર નામનો 19 વર્ષનો યુવાન રાત્રીના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે નિલેશ કોળી, પ્રવિણ અને કાળુ નામના શખ્સોએ ઈંટ અને પથ્થરવડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં હરેશ પરમાર અને હુમલાખોર શખ્સો મિત્રો થાય હુમલાખોર શખ્સોએ હરેશ પરમારના નાનાભાઈ પરેશ પરમારના ખિસ્સામાંથી રૂા. 400 કાઢી લીધા હતાં. જેથી હરેશ પરમારે રૂપિયા કેમ કાઢ્યા તેમ કહી રૂપિયા પરત માંગતા હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આક્ષેપના પગલે થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.