બોટાદના લાખીયાણીમાં મિત્રના હાથે મિત્રની હત્યા
બોટાદ તાલુકાના લાખીયાણી ગામના પાદરમાંથી હત્યા કરાયેલી હાલતે પંચમહાલ જીલ્લાના શિંગપુરના યુવાનની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં લખિયાણી ગામે મિત્રોને મળવા આવેલ યુવાન સાથે અગાઉ થયેલા મનદુ:ખની દાઝે રાખી હત્યારાએ પથ્થર અને લાકડાના ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું. બનાવ અંગે પોલીસે હત્યારા વિરૂૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
બનાવની વિગત આપતાં પોલીસ સૂત્રોએ જણાવ્યુ કે,પંચમહાલ જીલ્લાના શિંગપુર ખાતે રહેતો યુવાન મેહુલભાઈ બુધાભાઇ તડવી (ઉ.વ.20) બોટાદ તાલુકાના લાખીયાણી ગામમાં ભાગવી વાડી રાખી મજૂરી કામ કરતો હતો.થોડા દિવસ પહેલા મેહુલભાઈ પોતાના વતનમાં જતો રહ્યો હતો. બાદમાં, પરત લાખીયાણી ગામે મિત્રોને મળવા માટે આવ્યો હતો. દરમિયાનમાં મેહુલભાઈને રાકેશ પ્રવીણભાઈ ભીલ નામના શખ્સ સાથે અગાઉ મનદુખ થયું હતું. જેની દાઝ રાખી ગત મોડી રાત્રીના સમયે મોકો જોઈ હુમલાખોર રાકેશે લખિયાણી ગામના પાદરમાં લાકડા અને પથ્થરના ઘા ઝીંકી મેહુલને મોતને ઘાટ ઉતારી દીધો હતો.અને તેની હત્યા નિપજાવી રાકેશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
હત્યારાએ યુવાનના મોંઢા અને માથાના ભાગને પથ્થર વડે છૂંદી નાંખી હત્યામાં ક્રૂરતાની હદ વટાવી દિધી હતી. જો કે, બનાવની જાણ થતાં જ બોટાદ રૂૂરલ પોલીસે સ્થળ પર પહોંચી યુવાનના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો હતો. અને મૃતકના બેન દીપિકાબેનની ફરિયાદના આધારે બોટાદ રૂૂરલ પોલીસે રાકેશ પ્રવીણભાઈ ભીલ વિરૂૂદ્ધ હત્યા સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી ફરાર હત્યારાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. બનાવને લઈ નાના એવા ગામમાં ભારે ચકચાર મચી હતી.