ધોરાજીમાં મિત્રના હાથે મિત્રની હત્યા
બન્ને વચ્ચે નજીવી બાબતે થયેલી માથાકૂટ હત્યાનું કારણ બની શાકમાર્કેટ પાસે જાહેરમાં હત્યા કરી લાશ ગટરમાં ફેંકી દીધી
ધોરાજીમાં ભગવતસિંહજી શાકમાર્કેટ નજીક એક મિત્રએ નજીવી બાબતે તેના મિત્ર સાથે ઝઘડો કરી તેની હત્યા કરીને લાશ ગટરમાં ફેંકી દેતાં સનસનાટી મચી ગઈ હતી. આ મામલે ધોરાજી પોલીસમાં મૃતકની પત્નીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. હત્યા બાદ ફરાર થઈ ગયેલા શખ્સને શોધવા ધોરાજી પોલીસે તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, ધોરાજીનાં રામપરા નદી કાંઠે રહેતાં બટુક નરસિંહભાઈ મકવાણા નામનો દેવીપૂજક યુવાન ઘરેથી ગુમ થયો હતો. ભીક્ષાવૃતિ કરી ગુજરાન ચલાવતી તેની પત્ની તારાબેને પતિની શોધખોળ કરી હતી. પરંતુ પતિનો કોઈ પત્તો મળ્યો ન હતો. તે દરમિયાન ગુમ થયાના બીજા દિવસે ગઈકાલે પતિને શોધવા નીકળેલી તારાબેનને તેના પતિ બટુકને વિક્રમ મકવાણા સાથે શાકમાર્કેટ નજીક જોયો હોવાનું જણાવ્યું હતું. પતિ બટુક અવારનવાર તેના મિત્ર વિક્રમ સાથે રખડતો હોય જેથી તારાબેને પતિને શોધવા માટે શાકમાર્કેટ તરફ જઈ ત્યારે જાણવા મળ્યું કે વિક્રમે તેના પતિ બટુકને મારી નાખ્યો છે અને લાશ ગટરમાં પડી છે. જેથી ભગવતસિંહજી શાકમાર્કેટ પાસે પહોંચેલી તારાબેનને પોતાના પતિની લાશ ગટરમાં પડેલી જોવા મળી હતી. આ બાબતે તેણે પોતાના દીયર હરસુખભાઈને ફોન કર્યો હતો. તેમજ પોલીસને જાણ કરતાં ધોરાજી પોલીસ મથકના પીઆઈ ગરચર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયરબ્રિગેડની મદદથી બટુકના મૃતદેહને ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બટુકના માથાના ભાગે ઈજા જોવા મળી હતી અને તેના પગમાં પહેરેલા ચંપલ અને પેન્ટ થોડે દૂર મળી આવ્યા હોય અને બટુકને ઢસળી ગટરમાં ફેંકી દીધાના નિશાન મળી આવ્યા હતાં.
આ બાબતે ધોરાજી પોલીસે મૃતદેહને ફોરેન્સી પોેસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડ્યો હતો અને તારાબેન બટુકભાઈ મકવાણીની ફરિયાદને આધારે વિક્રમ મકવાણા સામે ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતક બટુક અને વિક્રમ બન્ને સાથે જ ફરતાં હોય બન્ને મિત્રો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતાં ઝનૂની અને તકરારી સ્વભાવ ધરાવતા વિક્રમે શાકમાર્કેટ પાસે જાહેરમાં જ બટુકને માથામાં કોઈ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી લાશ ગટરમાં ફેંકી દઈ ફરાર થઈ ગયો હતો.મૃતક બટુકને સંતાનમાં પાંચ પુત્રી અને બે પુત્રો છે. પિતાના અવસાનથી 7 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ધોરાજી પોલીસે હત્યા કરીને ફરાર થઈ ગયેલા વિક્રમ મકવાણાની શોધખોળ શરૂ કરી છે.