જામનગરમાં શેરબજારમાં રોકાણના નામે 1.81 કરોડની છેતરપિંડી, ઠગ ઝડપાયો
રાજકોટના શખસે બેંક અકાઉન્ટ ભાડે આપ્યાનું ખૂલ્યુ
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે શેરબજારમાં રોકાણના નામે થયેલી 1.81 કરોડની છેતરપિંડીના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. રાજકોટના નવા થોરાડા વિસ્તારમાં રહેતા 20 વર્ષીય આરીફ રહીમ ઓસમાણ રાવમાને પોલીસે ઝડપી લીધો છે.
આ કેસમાં એક સિનિયર સિટીઝનને શિકાર બનાવવામાં આવ્યા હતા. ગત વર્ષે 30 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર દરમિયાન આરોપીઓએ ભોગ બનનારને શેરબજારમાં રોકાણ કરી વધુ નફો કમાવવાની લાલચ આપી હતી. આ દરમિયાન તેમની પાસેથી કુલ 1.81 કરોડ રૂૂપિયાનું રોકાણ કરાવ્યું હતું.
પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના અને ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પીઆઇ આઇ.એ. ધાસુરાની ટીમે આ કેસમાં કાર્યવાહી કરી. પીએસઆઇ એન.પી. ઠાકુર અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને માનવ સ્ત્રોતોના આધારે આરોપીને પકડ્યો છે.
પકડાયેલો આરોપી મજૂરી કામ કરે છે અને તેણે છેતરપિંડી માટે બેંક એકાઉન્ટ પૂરા પાડ્યા હતા. ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધારો થવાની સાથે સાયબર ક્રાઇમના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. સાયબર ક્રાઇમ પોલીસ જાગૃતિ અભિયાન ચલાવી રહી છે, છતાં દરરોજ અનેક લોકો ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બને છે. પોલીસે આરોપી પાસેથી વધુ માહિતી મેળવવા પૂછપરછ શરૂૂ કરી છે.