ચાર વર્ષની બાળકી ઉપર ઢગાએ આચરેલું દુષ્કર્મ
150 ફૂટ રિંગ રોડ પરની ટાઉનશીપમાં બનેલી ચોંકાવનારી ઘટના: આરોપી સકંજામાં
ચોકીદારની નિંદ્રાધીન બાળકીને શેઠના રૂમમાં ઉપાડી જઈ નેપાળી નોકરે મોં કાળુ કર્યુ
સુરક્ષીત શહેરના નામે જેની ગણના થતી હતી તેવું રાજકોટ શહેર હવે ગુનાખોરીમાં આગળ વધી રહ્યું છે. મહિલાઓ અને બાળકોની સુરક્ષાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. શહેરમાં છેલ્લા ઘણા વખતથી દુષ્કર્મના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરના 150 ફુટ રીંગ રોડ પર આવેલ એક ટાઉનશીપમાં રહેતાં ચોકીદારની 4 વર્ષની બાળકીને નિંદ્રાધીન અવસ્થામાં ઉઠાવી જઈ તે ટાઉનશીપમાં જ રહેતાં અને બિલ્ડીંગના એસોસીએશનના પ્રમુખને ત્યાં નોકરી કરતાં શખ્સે દુષ્કર્મ ગુજારતાં સનસનાટી મચી ગઈ છે. આ મામલે બાળકીના પિતાએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં ડીસીપી સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ મામલે યુનિવર્સિટી પોલીસ કે ગાંધીગ્રામ પોલીસ મથકમાં આ ઘટના બની છે તેનો નિર્ણય લીધા બાદ ગુનો નોંધાશે. હાલ તો આ ઘટનામાં નરાધમ શખ્સને પોલીસે સકંજામાં લીધો છે.
મળતી વિગતો મુજબ, શહેરના 150 ફુટ રીંગ રોડ પર આવેલ એક ટાઉનશીપમાં રહેતા અને ચોકીદારી કરતાં નેપાળી પરિવારની ચાર વર્ષની બાળકીને નિંદ્રાધીન અવસ્થામાં તે જ બિલ્ડીંગમાં રહેતાં બિલ્ડીંગ એસોસીએશનના પ્રમુખને ત્યાં નોકરી કરતાં નેપાળી નોકરે આ બાળકીને શેઠના ઘરે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું. નેપાળી પરિવારની પુત્રી ઘરે સુતી હોય અને તેની માતા અન્ય ઘરના કામ કરવા ગઈ હતી. જ્યારે તેના પિતા રક્ષાબંધન ઉપર લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી તેના બેનના ઘરે ગયા હતાં. ઘરે આવેલી માતાએ બાળકીને સુતેલી નહીં જોતાં દેકારો કર્યો હતો. તે દરમિયાન આ અંગે તેના પતિને જાણ કરતાં તે ટાઉનશીપ ખાતે દોડી આવ્યા હતાં.
આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમજ સીસીટીવીમાં ચેક કરતાં બિલ્ડીંગ એસોસીએશનના પ્રમુખને ત્યાં નોકરી કરતો નેપાળી નોકર બાળકીને લઈ જતો નજરે પડયો હતો. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવતાં ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઈ તથા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ પટેલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ મામલે ભોગ બનનાર ચાર વર્ષની બાળકીના પિતાની માહિતીના આધારે પોલીસે હાલ નેપાળી નોકરને સકંજામાં લીધો હતો. જ્યારે ભોગ બનનાર બાળકીનું મેડીકલ ચેકઅપ કરાવવા તેને હોસ્પિટલ ખાતે ખસેડી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ, મુળ નેપાળના દંપતિ છેલ્લા ઘણા વખતથી આ 150 ફુટ રોડ પર આવેલ ટાઉનશીપમાં રહી ચોકીદારી કરે છે જ્યારે તેની પત્ની ઘરના કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. નેપાળી દંપતિને સંતાનમાં ત્રણ પુત્રી છે. જેમાં સૌથી નાની પુત્રી કે જે ચાર વર્ષની છે. બનાવના દિવસે નેપાળી યુવાન પોતાના બહેનના ઘરે ગયો ત્યારે આ ટાઉનશીપનાં ચોકીદાર રૂમમાં તેની પુત્રીને સુવડાવી માતા ઘરના કામ કરવા ગઈ હતી તે દરમિયાન બનાવ બન્યો હતો. બાળકીએ પોતાની સાથે બનેલ ઘટના અંગે પરિવારજનોને આપવિતી જણાવી હતી. આ બિલ્ડીંગના પ્રમુખને ત્યાં નોકરી કરતાં શખ્સે બાળકીને ઉઠાવી જઈ લાઈટ બંધ કરી તેના કપડા ઉતારીને તેની સાથે છેડછાડ કરી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.